આણંદમાં રહેતી એક પરિણિતાને અમદાવાદમાં રહેતા એક યુવક સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ થઈ ગયો હતો. માત્ર ૩૦ દિવસની વાતચીતમાં પરિણિતાએ યુવક સાથે લગ્ન કરવાની જીદ કરી હતી અને ઘરસંસાર છોડીને નીકળી ગઈ હતી. આ પરિણિતા અમદાવાદના છેવાડે આવેલા ઓડ કમોડ ગામ પાસે પહોંચી હતી. મહિલાને એકલી હાલતમાં જાેતા એક જાગ્રૃત નાગિરકે અભયમ ૧૮૧ને ફોન કરીને જાણ કરી હતી. અભયમની ટીમ ત્યાં પહોંચી હતી અને પરિણિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું.
બાદમાં અભયમની ટીમે યુવકના મોબાઈલ અને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા. જાે કે, યુવકનો ફોન અને નેટ બંધ હતું. એટલે એ વાત માલૂમ થઈ કે યુવક તેની સાથે લગ્ન કરવા માગતો નથી. બાદમાં અભયમની ટીમે પરિણિતાને પોતાની સાસરીમાં મોકલી આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, અભયમની ટીમ પર એક જાગ્રૃત નાગરિકનો ફોન આવ્યો. આ નાગરિકે અભયમની ટીમને એવું જણાવ્યું હતું કે, એક મહિલા ૧૨ વર્ષના બાળક અને તેના પતિને તરછોડીને અમદાવાદ આવી છે. તે પોતાના પતિના ઘરે જવા માગતી નથી. આ વાત સાંભળીને અભયમની ટીમ તાત્કાલિક પહોંચી હતી.
બાદમાં અભયમની ટીમે પરિણિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, મહિલા પોતાના ૧૨ વર્ષના પુત્ર અને પતિ સાથે આણંદમાં રહે છે. તેનો પતિ દાળવડાનો ધંધો કરો છે અને મહિને ૪૦ હજાર રુપિયા કમાય છે. પતિ પણ તેને સારી રીતે રાખે છે. ૩૦ દિવસ પહેલાં તેની ઓળખાણ અમદાવાદમાં રહેતા એક યુવક સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી. આ દરમિયાન તેને યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી તે યુવક સાથે લગ્ન કરીને સાથે રહેવા માગે છે.
યુવક તેને ખૂબ જ ગમી ગયો છે. પરિવારમાં આ વાતની જાણ થતાં તે ઘરબાર છોડીને યુવક સાથે લગ્ન કરવા માટે નીકળી પડી હતી. જે યુવક સાથે લગ્ન કરવા માટે તે નીકળી હતી તેને ફોન કરતા તે બંધ આવતો હતો. ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા નેટ બંધ આવતું હતું.આના પરથી માલૂમ થયુ કે યુવક તેની સાથે લગ્ન કરવા માગતો નથી અને તેની સાથે વાત કરવા માગતો નહોતો. આ રીતે અભયમની ટીમે પરિણિતાને સમજાવતા તે માની ગઈ હતી. બાદમાં ટીમે મહિલાને સમજાવીને સાસરીમાં મોકલી આપી હતી. જ્યાં પતિએ પણ તેને સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. આ રીતે અભયમની ટીમે ફરીથી મહિલાનું પતિ અને પુત્ર સાથે મિલન કરાવ્યું હતું.