ગુજરાતમાં આમ આદમી પાર્ટીની 5 જ બેઠક મળ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, 40 લાખ કરતા પણ વધુ મતદારોએ ઝાડુના નિશાન પર મત આપીને, ખૂબ પ્રેમ આપીને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે, એ બદલ હું ગુજરાતના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની એ બદલ શુભેચ્છાઓ પાઠવું છું. આ સિવાય આમ આદમી પાર્ટી 5 સીટો ઉપર જીતી છે, તેના માટે પણ હું શુભેચ્છાઓ પાઠવું છું. 2017માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 28,000 મતદારો હતા ત્યાંથી આજે 40 લાખ લોકોએ આમ આદમી પાર્ટીને આવકારી છે. જનતાએ મારા માટે, અલ્પેશભાઈ માટે, મનોજભાઈ માટે જે ચુકાદો આપ્યો છે તેના માટે હું કહેવા માંગુ છું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી સામે વિશ્વની સૌથી નાની પાર્ટીએ મજબૂત ફાઈટ આપી છે, અને તે બદલ હું સૌને શુભેચ્છાઓ પાઠવું છું. આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા અલ્પેશ કથીરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઈટાલિયાએ કહ્યું કે- આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની હિંમત અને મનોબળ અડગ છે. અમે ફરી વખત લોકોની વચ્ચે જઈને જ્યાં કમી રહી ગઈ હશે, જ્યાં અમારો મેસેજ નહીં પહોંચી શક્યો હોય, અમારા સંગઠનની અંદર જો કોઈ પણ પ્રકારની ખામી રહી ગઈ હશે, તે બધું સુધારશું અને ફરીથી મહેનત કરશું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે, એ નાના પગલાથી અમે આકાશ સુધી અમારી સફળતા પહોંચાડીશું.
ગોપાલ ઈટાલિયા આગળ વાત કરે છે કે- 13 ટકા કરતા વધુ મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. પાંચ સીટો આમ આદમી પાર્ટીને મળી છે. કોઈ જગ્યાએ કચાસ નથી રહી ગઈ, માત્ર અમે નવી પાર્ટી છીએ, નાની પાર્ટી છીએ, અમારી પાસે પૈસા નથી, એટલે કદાચ અમે જે લક્ષ રાખ્યું હતું તે લક્ષ સુધી નથી પહોંચી શક્યા. પરંતુ હવે આવતા પાંચ વર્ષમાં અમે પાર્ટીનું સંગઠન મોટું કરીશું, પાંચ વર્ષ પછી અમારી પાર્ટી વધુ જૂની પાર્ટી થઈ ચૂકી હશે, અને મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાએ આ વખતે જેટલા મત આપ્યા છે એના કરતાં પણ ચાર ગણા વધુ મત 2027ની ચૂંટણીમાં આપશે. હું મારા જીવનની પહેલી ચૂંટણી લડી રહ્યો છું અને મને જનતાએ 55,000 કરતા પણ વધુ મત આપ્યા છે. આમાં મજા એ વાતની છે કે જે લોકો ચાર-ચાર ચૂંટણીઓ જીતીને બેઠા છે અને જો તેમને એક સમય પણ એવું લાગ્યું હોય કે અમારું શું થશે? તો એ અમારી નૈતિક જીત છે. ગુજરાતની જનતાએ 40 લાખ કરતા પણ વધુ મત આપીને આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ આપ્યો છે.
ગોપાલે વાત કરી કે- કોંગ્રેસ તો દરેક ચૂંટણી વખતે આરોપ જ લગાવે છે. પરિણામ કંઈ પણ હોય પણ એક વસ્તુ ફિક્સ છે કે કોંગ્રેસ પરિણામના દિવસે આરોપ લગાવશે. આ વખતે આમ આદમી પાર્ટી ઉપર લગાવ્યો, ગઈ વખતે EVM પર લગાવ્યો હતો, એની ગઈ વખતે એમના પ્રદેશના નેતા ઉપર લગાવ્યો હતો, દર વખતે આરોપ લગાવ્યા કરતા જો પાંચ વર્ષ જનતા માટે સંઘર્ષ કર્યો હોય, જનતાની સેવા કરી હોય તો આજે કોંગ્રેસની આ હાલત ન હોત. અમે તો વિશ્વની સૌથી નવી અને નાની પાર્ટી હોવા છતાંય પહેલી જ વખતમાં ગુજરાત જે ભાજપનું ગઢ કહેવાય છે, તે રાજ્યમાં 40 લાખ કરતા પણ વધુ મત મેળવ્યા છે. આ અમારો સંઘર્ષ છે.