અમદાવાદઃ શહેરના સિંધુભવન રોડ પર ઓવરસ્પીડ તથા સ્ટંટ કરતા બાઈકર્સના કિસ્સા સામે આવે છે. શહેરમાં એક યુવતી સિંધુભવન રોડ પર સ્પોર્ટ્સ બાઈક પર પાછળ બીજી એક યુવતીને પાછળ બેસાડી ખુલ્લા હાથે બાઈક ચલાવતી હોય તેવો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો છે. જેને લઇને બાઇક સ્ટંટ કરનારા યુવાનોએ અમદાવાદ પોલીસને સવાલ પણ કર્યો હતો કે બાઇક સ્ટંટ કરનારા યુવાનો સામે પગલાં લેવામાં આવે છે તો આ યુવતી સામે પણ પગલાં લેવામાં આવે.
વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે આ યુવતી બાઈક પર ઊભાં ઊભાં ડ્રાઈવ કરે અને તેને કારણે આ યુવતી સહિત તેની સાથેની યુવતી તથા અન્ય વાહનચાલકોને અકસ્માત સર્જાઈ શકે એમ હતો.
સોશ્યિલ મીડિયામાં રાતોરાત ફેમસ થઇ જવા માટે કેટલાક યુવાનો અને યુવતીઓ જીવ જોખમમાં નાખે તેવા અખતરા કરે છે. વાહનો પર સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવે છે. ઘણી વખત આવા સ્ટંટને કારણે અન્ય લોકોના જીવને જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. ત્યારે અમદાવાદના સિંધુભવન રોડ પર ખુલ્લા હાથે બાઈક ચલાવતી એક યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો વાઇરલ થયાના ત્રણેક મહિના બાદ પોલીસ સમક્ષ આવતાં તેણે આ યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાનું પણ જાણવા મળે છે.