મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં એક મોટો નિર્ણય લેવાયો છે. હવે અમદાવાદની જાણીતી એલજી હોસ્પિટલની મેટ મેડિકલ કોલેજનું નામ બદલાઈ ગયું છે. AMC સંચાલિત એલજી હોસ્પિટલની પાછળના હિસ્સામાં આવેલી મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. આ અંગેની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેથી દરખાસ્તને કોર્પોરેશનમાં સર્વાનુમતે મંજુરી મળી જતા હવે મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું છે.
કોલેજનુ નામ નરેન્દ્વ મોદી કરવામાં આવ્યા બાદ ભાજપમા એક અનોખો જ માહોલ જોવા મળી રહ્યો છે. હવે મેડીકલ કોલેજ નરેન્દ્વ મોદી મેડીકલ કોલેજના નામે આ કોલેજ ઓળખાશે. નરેન્દ્ર ભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કોલેજ બની હતી, માટે તે કોલેજનુ નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. નરેન્દ્વ મોદી મણીનગરથી વિધાનસભાની ચૂંટણી લડી મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા હતા. હવે 17 તારીખે પ્રધાનમંત્રીના જન્મ દિવસે મેટની મેડીકલ કોલેજમાં તકતીનું અનાવરણ પણ કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે. આ પહેલાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું હતું. આ ઉપરાંત આ સ્ટેડિયમના સમગ્ર સંકુલનું નામ સરદાર સંકુલ કરી દેવાયું હતું.