હાલમાં જ માહિતી સામે આવી રહી છે કે આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 24થી 30 મી જુલાઈ વચ્ચે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ધોધમાર પવન સાથે સાથે વરસાદ પડવાથી નુકસાન થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગળ વાત કરતાં અંબાલાલ પટેલે કહ્યું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્રને લઇને આગાહી કરતા જણાવ્યું છે કે 20 તારીખ પછી એટલે કે આજથી (21મી જુલાઈ) સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે પહેલા પુનર્વસુ નક્ષત્ર છે. ખેડુતો વખ અને પખ તરીકે પણ ઓળખે છે. હાલમાં પુનર્વસુ નક્ષત્ર શરૂ છે. તેમાં વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું ગણાતું નથી. પરંતુ 20 તારીખ પછી એટલે કે 21મી જુલાઈથી પુષ્ય નક્ષત્રોમાં એટલે કે પખમાં થતાં વરસાદનું પાણી ઊભા પાક માટે ઉત્તમ છે. જે બે ઓગસ્ટ સુધી રહશે. બે ઓગસ્ટ પછી વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું નથી.
રાજ્યમાં અનેક વિસ્તારોમાં અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટર અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે. ટૂંકમાં હવે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ ધીમી પડી છે. પરંતુ ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની મોટી આગાહી કરી છે.