જો વાત કરીએ ગુજરાતની તો છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 3 ઈંચ, વલસાડમાં, અઢી ઈંચ, કપરાડામાં અઢી ઈંચ, પારડીમાં બે ઈંચ, વડોદરામાં પોણો ઈઁચ, લખપતમાં એક ઈંચ, વાલોદમાં એક ઈંચ, બારડોલીમાં એક ઈંચ, વાઘોડિયામાં અડધો ઈંચ, કપડવંજમાં અડધો ઈંચ, મહુઆમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો છે. ત્યારે હાલમાં પણ શહેરમાં ચારેબાજુ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે.
જો અમદાવાદની વિસ્તારથી વાત કરીએ તો શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા,વસીટીએમ, રામોલ, વસ્ત્રાલ,અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં 11 વાગ્યે પૂર્વ વિસ્તારમાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા હતા અને અણસાર હતો કે વરસાદ પડશે. ત્યારબાદ થોડા સમય પછી જ કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આટલા વરસાદ બાદ હજુ પણ હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.