કિશન ભરવાડનો કેસ આ વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયામાં ચારેકોર ગાજતો હતો. ઈસ્લામ સંબંધિત વિવાદાસ્પદ ટિપ્પણી સોશિયલ મિડીયામાં કરી અને હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ, બે યુવકોએ 25 જાન્યુઆરી-2022ના રોજ ધંધુકામાં કિશન પર ગોળીબાર કર્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે મોટો વળાંક આવ્યો અને હત્યા કરવાના કેસમાં આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
આ કેસની સુનાવણી કરતાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે આરોપી હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. પ્રથમદર્શીય રીતે આરોપી સામે પુરતા પુરાવા છે, તપાસમાં મુદત વધારવાના મુદ્દે પણ આરોપીને સમયસર જાણ કરવામાં આવેલી છે. ગુનાની ગંભીરતાને જોતા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવે. તો સામે અરજદારના વકીલે કહ્યું કે પોલીસે નિર્ધારિત 90 દિવસમાં તપાસ પૂર્ણ નહોતી કરી. પોલીસ અરજદારને જાણ કર્યા વગર તપાસમાં એક્સટેન્શન ( વધુ મુદત)ની માગ કરી શકે નહીં. ત્યારે હવે માલધારી સમાજમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.
જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આ કેસમાં પાંચથી વધુ આરોપીઓની ધરપકડ કરાયેલી છે. જેમાં, મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ 30 જાન્યુઆરીના રોજ દિલ્હીથી કરવામાં આવેલી. આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીની ડિફોલ્ટ જામીન અરજી નીચલી અદાલતે ફગાવી દીધી હતી. જેની સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરેલી હવે એ પણ ફગાવી દેવામાં આવી છે. ત્યારે આગળના સમયમાં જોવાનું રહ્યું કે સજાની જોગવાઈ કેવી રહે છે.