અમદાવાદમાં ખાડિયા વોર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન – 2022 અંતર્ગત એક વિશિષ્ટ કાર્યક્રમના ભાગરૂપે ઓટો રીક્ષા ચાલકોને પ્રાથમિક સભ્ય બનાવી તેમના રીક્ષાના હુડ પર ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સદસ્યતા અભિયાનના ફ્લેક્સ બેનર ફીટ કરવામાં આવ્યા હતા.
મંગળવારે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સહકોષાધ્યક્ષ અને પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, શહેર અધ્યક્ષ અમિતભાઈ પી શાહ મહાનગરના મહામંત્રી ભૂષણ ભાઈ ભટ્ટ, પ્રદેશ મીડિયા સંપર્ક વિભાગના સંયોજક ડો. હેમંતભાઈ ભટ્ટ, વોર્ડ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મીડિયા વિભાગના સંયોજક વિક્રમ જૈને જણાવ્યું હતું.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા પણ થોડાક સમય અગાઉ આ પ્રકારે અમદાવાદ સહિતના સ્થળે રિક્ષાઓ પર પક્ષની પ્રસિદ્ધિ કરતા અને પક્ષના નેતા અરવિંદ કેજરીવાલની તસ્વીરો સાથેના બેનર લગાવવામાં આવ્યા છે. રાજકીય પંડિતોનું માનીએ તો આમ આદમી પાર્ટીના આ રિક્ષા દ્વારા પબ્લીસિટીના ફન્ડાને સારો આવકાર મળતા અમદાવાદ ભાજપના નેતાઓ દ્વારા પણ તે પ્રકારે અનેક રિક્ષાઓ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ભાજપના બેનરવાળા હુડ અને પોસ્ટર લગાડવામાં આવ્યા હતા.