મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ રાજ્યમાં એક પછી એક સામે આવી રહ્યા છે. આ પછી સવાલો થાય છે કે શું ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી? રાજ્યના મેગા સિટી અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કોટ વિસ્તારમા યુવતી ઘરે એકલી હતી ત્યારે પડોશમાં રહેતો એક વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી આવ્યો. તેની ઉંમર પણ યુવતીના પિતાની જેટલી હશે. આ સમયે યુવતી રસોડામાં કામ કરતી હતી અને આ વ્યક્તિ ત્યાં પહોંચી ગયો અને યુવતીનો હાથ પકડી લીધો.
ધીરે ધીરે તે યુવતીને શારીરિક અડપલા કરવા લાગ્યો, ગાલ ખેંચી તેને ફ્લાઈંગ કીસ કરી હતી. ઘડિયાળ આપવાના બહાને યુવતીનો હાથ પકડી ઘડિયાળ તેના હાથમાં મૂકી સ્પર્શ કરીને છેડતી કરી હતી. આ બાદ યુવતીએ આ અંગે તેના સસરા અને પતિને વાત કરી. હવે આ મામલે કારંજ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. જ્યારે આ 23 વર્ષીય યુવતીના સાસુ સસરા કે પતિ ઘરે ન હોય ત્યારે આ પડોશમાં રહેતો વ્યક્તિ નજર રાખતો અને મોકો જોઈને કોઈક બહાનું કરીને ઘરમાં ઘૂસી આવતો હતો.
પડોશમાં રહેતા આ રાજુ નામના વ્યક્તિ એક દિવસ તો હદ વટાવી દીધી. તેણે પોતાનું પેન્ટ ઉતારી પ્રાઇવેટ પાર્ટ આ યુવતીને બતાવતા તે ડરી ગઈ હતી. જેથી યુવતીએ ધક્કો મારીને આ શખ્સને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તરત જ પોતાના સસરાને બોલાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી.