અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં બનેલી ઘટનામાં ૩૨ વર્ષની મહિલાએ શનિવારે પોતાના પોલીસકર્મી પતિ દ્વારા ઘરેલુ હિંસાની સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવનારી મહિલાનો પતિ પાટણમાં ફરજ બજાવે છે, જ્યારે વર્ષ ૨૦૨૧ના મે મહિનામાં પત્નીએ શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કર્યો હતો ત્યારે પતિએ તેને પટ્ટાથી માર માર્યો હતો. આ પછીથી પોલીસ પતિ સતત પરિણીતા પર અત્યાચાર ગુજરતો હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે અને જાન્યુઆરી ૨૦૨૨માં પોતાને તરછોડી હોવાનું પણ જણાવ્યું છે.
ઘાટલોડિયા પોલીસમાં લખાવેલી ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે તે જ્યારે તે વર્ષ ૨૦૧૨માં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતી હતી ત્યારે તેની મુલાકાત પતિ સાથે થઈ હતી. પરીક્ષાની તૈયારી દરમિયાન બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને પછી તેઓ લગ્નના બંધનથી જાેડાઈ ગયા હતા.
સપ્ટેમ્બર ૨૦૧૪માં પરિણીતા પતિ સાથે લગ્ન કરી લીધા હતા, અને તેઓ કચ્છ સ્થળાંતર થયા હતા, લગ્ન પછી તરત જ પતિને પોલીસમાં નોકરી મળી ગઈ હતી, પરિણીતાના સાસરિયા તેને પરેશાન કરવાનું શરુ કર્યું અને તે દહેજમાં કશું લાવી નથી તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા.
વર્ષ ૨૦૧૯માં પતિની બદલી પાટણમાં થઈ અને ફરિયાદી પરિણીતાએ પતિ સાથે રહેવાનું શરુ કર્યું હતું. મે ૨૦૨૧માં પોલીસ પતિ એક દિવસ બપોરે ઘરે આવ્યો અને શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પત્ની થાકેલી હોવાથી તેણે પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર કર્યો હતો, આ સાંભળીને અકળાયેલા પોલીસ પતિએ પોતાના પટ્ટા વડે પત્ની બેભાન થઈ ગઈ ત્યાં સુધી તેને માર માર્યો હતો, જે વિગત ફરિયાદમાં પરિણીતાએ જણાવી છે.
આ પછી પતિએ ૩ જાન્યુઆરી ૨૦૨૨ના દિવસે પણ પત્નીને માર માર્યો હતો અને આખી રાત તેને ઘરની બહાર ઉભી રાખી દીધી હતી. પરિણીતાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, માર મારીને પોતાને ઘરની બહાર આખી રાત રાખ્યા બાદ બીજા દિવસે પતિએ માત્ર કપડા અને જરુરી સામાન લેવા દીધો હતો ને ઘર બંધ કરી દીધું હતું. આમ કરીને પતિએ પોતાને તરછોડવા માટે મજબૂર કરી દીધી હતી.