લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિવાદમાં આવે એ વાત હવે જૂની થઈ ગઈ છે. રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં ખાવડ પર ગુસ્સો હતો. જે બાદ તેમણે માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. પરંતુ આ વખતે હવે નવો વિવાદ સર્જાયો છે. બન્યું છે એવું કે જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે હાલમાં શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. પહેલાં લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ માફીની વાત કરતા દેવાયત ખવડે વળતો જવાબ આપ્યો અને હવે એમની ચર્ચા ચારેકોર કરવામાં આવી રહી છે.
વિગતો મળી રહી છે રૂપલ માં જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ ભવ્ય લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ઈશરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરું વલણ દર્શાવ્યું હતું અને ખુબ વાયરલ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં જોશમાં આવીને બ્રિજરાજદાન ગઢવીએ હજારો લોકોની વચ્ચે કહ્યું હતું કે, ‘રૂપલ આઈની સાક્ષીમાં કહું છું કે જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈશરદાનનું લોહી છું સાહેબ. ક્યારેય માફી માગતો વીડિયો નહીં બનાવું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે
ત્યારબાદ હવે શનિવારે દેવાયત ખવડ, અલ્પા પટેલ, દીગુભા ચુડાસમા અને સાગદાન ગઢવીએ અમદાવાદમાં ડાયરાની રમઝટ બોલાવી હતી. આ તકે લોકસાહિત્યકાર દેવાયત ખવડે બ્રિજરાજદાનની વાતનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા તો માયકાંગલાઓ હોય એને આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય’ ત્યારે હવે આ બન્ને કલાકારોનું શાબ્દિક યુદ્ધ ક્યારે પુરુ થાય એ જોવાનું રહ્યું. હાલમાં સામસામે પ્રહારો કરવામાં આવી રહ્યા છે.