કોંગ્રેસમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રઘુ દેસાઈની પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માગ કરી છે. આ વાત સામે આવતા જ ગુજરાત કોંગ્રેસમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ‘રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ એવા ગંભીર આક્ષેપ નાખવામાં આવ્યા છે. રઘુ દેસાઈનું કહેવું છે કે ચૂંટણીમાં કેટલાકે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો અને હાર થઈ. ઓફિસમાં બેઠા પાર્ટી નથી ચાલતી. પાર્ટીના સંગઠને ગંભીરતાથી કામ નથી કર્યુ જેના કારણે આવા દિવસો આવી ગયા છે. આ તમામ વાતો અને ફરિયાદોને લઈ રઘુ દેસાઈએ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. હાલમાં રાજકારણમાં આ સમાચારે હંગામો મચાવી દીધો છે.
આ સાથે જ બીજી એક વાત કરીએ તો શું કારણ છે કે કૉંગ્રેસ ગુજરાતમાં સતત ચૂંટણીઓ હારી રહી છે આ ચૂંટણીમાં મળેલી બેઠકો જોતા એમ પણ લાગે કે શું ખરેખર કૉંગ્રેસ ગુજરાતની ચૂંટણીઓમાં ખરેખર જીતવા માટે લડે છે ખરી? ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે સત્તારૂઢ ભાજપને બહુમતી માટે હંફાવી દીધો હતો, પરંતુ આ વખતે તેનો મુકાબલો આપ તથા એઆઈએમઆઈએમ સાથે પણ હતો. એવા તે કયા કારણો છે કે જેના કારણે સતત કૉંગ્રેસનો પરાજય થઈ રહ્યો છે અને ભાજપની નબળાઈઓનો તે લાભ નથી લઈ શકતું. ભાજપ હોય કે કૉંગ્રેસ, જો પરિવાર રાજકારણમાં ન હોય અને રાજકારણમાં પણ જો કોઈ ‘ગોડફાધર’ ન હોય, તો વિધાનસભા ચૂંટણીના દાવેદાર બનવામાં બે દાયકાનો સમય લાગી જતો હોય છે, પરંતુ કૉંગ્રેસ તેના ચૂંટાયેલા ધારાસભ્યોને અકળ કારણોસર સાચવી નથી શકતો.
પાટીદાર અનામત આંદોલન દ્વારા ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ હોય કે ઠાકોરસેનાના અલ્પેશ ઠાકોર. 11 વખતથી ધારાસભ્ય અને દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા. પાર્ટી તેમને સાચવવામાં નિષ્ફળ રહી છે અને તેમણે ભાજપનો છેડો ઝાલ્યો છે, જ્યાં તેઓ વર્તમાન નેતાઓની હાજરી છતાં ટિકિટ મેળવી શક્યા છે. 14મી વિધાનસભા દરમિયાન 10થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડી ગયા. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારના દિગ્ગજ કોળી નેતા કુંવરજીભાઈ બાવળિયા તથા જૂનાગઢ પંથકના આહીર નેતા જવાહર ચાવડાનો પણ સમાવેશ થાય છે. તેમણે જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન પોતાને સોંપવામાં આવેલા કામ સુપેરે પાર પાડ્યા. જોકે, 2017માં સૌરાષ્ટ્રમાં પાટીદાર ફૅક્ટરે કૉંગ્રેસને ફાયદો કરાવ્યો હતો પરંતુ આ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપને ફાયદો થતો દેખાઈ રહ્યો છે.