Gujarat News: વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્મૃતિ મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા, તારીખ ૧૯ ડિસેમ્બર 2023ના રોજ એક અનુપમ દિવ્યાંગ સેવાયજ્ઞનું આયોજન થયું, જેમાં 150 જેટલા ભાઈ-બહેનોને નિઃશુલ્ક કૃત્રિમ પગ અર્પણ કરવામાં આવ્યા. એક વર્ષ પૂર્વે 2022માં આ જ જગ્યાએ 250થી વધારે દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ પગ અર્પણ કરવામાં આવ્યા હતા. એટલે કે બન્ને દિવ્યાંગ સેવાયજ્ઞમાં કુલ 400 જેટલા દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ પગ અર્પણ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે ભૂતપૂર્વ હાઈકોર્ટ જસ્ટિસ આદરણીય ઢોલરિયા સાહેબ, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ગાંધીનગર નગરપાલિકા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન જશવંતભાઈ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા મુખ્ય યજમાન હર્ષદભાઈ પટેલ(સાઉથ-આફ્રિકા), દકુભાઈ કસવાળા, રવિભાઈ ત્રિવેદી (કેનેડા), અશ્વિનભાઈ પટેલ (અમેરિકા) વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
વેદમંત્રોના ગાન સાથે દીપ-પ્રાગટ્ય થયા પછી સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી તથા ઉપસ્થિત મહેમાનોએ દિવ્યાંગ પુરુષોનું ખેસ પહેરાવી, પ્રસાદ આપી ભાવપૂજન કર્યું હતું. એ જ રીતે બહેનોના વિભાગમાં નયનાબેન પટેલ, દક્ષાબેન પટેલ, અંજલિબેન ત્રિવેદી વગેરેએ દિવ્યાંગ બહેનોનું ભાવપૂજન કયું હતું. સંતો દ્વારા ભાવપૂજન થતું જોઈને દિવ્યાંગ ભાઈ-બહેનોના નેત્રોમાં આનંદના અશ્રુ છલકાયા હતા.
સમગ્ર દુનિયામાં તમે સેવાના અને સહાયના ઘણા કાર્યક્રમો જોયા હશે પરંતુ SGVPના આ કાર્યક્રમમાં એક એવી બાબત જોવા મળી કે જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા ન મળે! જોવા તો ઠીક આવો વિચાર આવવો એ પણ મહાપુરુષના જ હદૃયમાં પ્રગટે. જ્યારે આ તમામ દિવ્યાંગોને કૃત્રિમ પગ અર્પણ કરવામાં આવ્યા ત્યારે ખુદ માધવપ્રિયદાસજી સ્ટેજ પરથી નીચે આવ્યા, દરેક દિવ્યાંગને મળ્યા અને મોટી વાત કે દરેકનુ પૂજન કર્યું.
દિવ્યાંગની સેવા કે મદદ નહીં પણ દિવ્યાંગનું પૂજન કરવાનો આ પ્રકલ્પ દેશ અને દુનિયામાં જવલ્લે કોઈને જ થાય. એવું કહેવું જરાય ખોટું નહીં ગણાય કે જ્યાં સામાન્ય સેવા અને સહાયની બુમાબુમ કરીને લોકો મોટો જશ મેળવવાની હોડમાં લાગેલા છે ત્યારે માધવપ્રિયદાસજીના વિચાર આગળ બધું ફિક્કું પડી જાય છે.
SGVP સંસ્થાની બીજી એક સૌથી સારામાં સારી વાત એ છે કે અત્યાર સુધી જેટલા દિવ્યાંગોના પગ ફિટ કરવામાં આવ્યા એમાંથી કોઈની પણ ફરિયાદ નથી આવી. સંસ્થા માત્ર કુત્રિમ પગ અર્પણ કરીને જ કામ પુરુ નથી કરી નાખતી. એ પગને લઈ કોઈ તકલીફ હોય અથવા તો બીજી કોઈ મુંઝવણ હોય તો 24 કલાક માટે સંસ્થાના દરવાજા ખુલ્લા છે. જ્યાં પગ બને છે ત્યાં પણ પુરેપુરી ચોકચાઈ રાખીને આખી ટીમ કામ કરી રહી છે.
આ પ્રસંગે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ સેવામાં સહભાગી થનારા ડોક્ટર મિત્રો, દાતાઓને બિરદાવી બહુમાન કર્યું હતું. આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ મંગલ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, દિવ્યાંગોને કૃત્રિમ પગ અર્પણ કરતા સંસ્થા ધન્યતા અનુભવે છે. દિવ્યાંગોના હૃદયમાં બિરાજમાન ભગવાનનું આ ભાવપૂજન છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘દિવ્યાંગ’ શબ્દ આપીને સૌને પ્રેરિત કર્યા છે. ભગવાને દિવ્યાંગોના અન્ય અંગોમાં અપાર શક્તિ આપી છે, માટે દિવ્યાંગોએ ક્યારેય પોતાને કમજોર ન સમજવા. ભગવાને તમને આપેલ શક્તિઓને ઓળખી સફળતાના શિખરો સર કરતા રહેજો. આ સેવામાં સહયોગ આપનારા તમામ ભક્તોને અભિનંદન પાઠવું છું.
આદરણીય જશવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, SGVP સંસ્થા શિક્ષણની સાથે સાથે સમાજસેવાનું અમૂલ્ય કાર્ય કરી રહી છે. સંતોના આ સેવાકાર્યને સરકાર વતી હું ખૂબ અભિનંદન પાઠવું છું. માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, આ સંસ્થાએ હંમેશાં સમાજઉત્થાનની ચિંતા કરી છે. સંસારનો ત્યાગ કરેલા સંતો કરુણાથી સંસારીઓની સેવા કરી રહ્યા છે. પૂજ્ય માધવપ્રિય સ્વામી તથા બાલ સ્વામીજીની ઉદારતા અને સરાહનીય સેવાઓના અમે વર્ષોથી સાક્ષી છીએ. અહીંની હોલિસ્ટિક હોસ્પિટલે દુનિયાને આરોગ્યક્ષેત્રે અનોખો માર્ગ ચિંધ્યો છે. આ સેવામાં જોડાયેલા સર્વ સંતો-ભક્તોને હું ગુજરાતની જનતા વતી વંદન કરી અભિનંદન પાઠવું છું.’
આ પ્રસંગે ઉપસ્થિત ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમાએ આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે કૃત્રિમ હાથ-પગ ફિટીંગમાં સહયોગ આપનાર ગેટબેક કંપનીના ડીરેક્ટર ભાર્ગવભાઈ કોરાટ તથા એમના ધર્મપત્ની ડૉ. ચાંદનીબેનની સેવાઓને બિરદાવી સત્કાર કરવામાં આવ્યો હતો. ડોક્ટરોની સેવાભાવી ટીમે આ દિવ્યાંગ સેવાયજ્ઞને સફળ કરવા માટે રાત્રિ-દિવસ પુરુષાર્થ કર્યો હતો.