(વિશેષ પ્રતિનિધિ દ્વારા): અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરના દાણીલીમડા વિસ્તાર સહિતના સ્થળોએ પણ અનેક સ્થળે પાણી ભરાયા હતા. જાહેર રસ્તાઓ તથા સોસાયટીઓ અને મહોલ્લાઓમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઇ જવાને કારણે તથા ગટરનું પાણી બેક મારવાને કારણે દોઝખની સ્થિતિ સર્જાઇ હતી. એકાએક ખાબકેલા વરસાદમાં સ્થાનિક તંત્રની નિષ્ફળતા સામે આવતા દાણીલીમડા વિસ્તારના લોકોમાં નારાજગી વ્યાપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસના નેતા અને દાણીલીમડા વિસ્તારના કોર્પોરેટર શેહઝાદ ખાન પઠાણ સામે પણ વિસ્તારના નાગરિકોમાં ભારે નારાજગી વ્યાપી હતી.
કેટલાક નાગરિકોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે દબાણનો રાફડો ફાટ્યો છે. જાહેરમાર્ગો સહિતના સ્થળોએ માથાભારે તત્વોએ અડ્ડો જમાવ્યો છે. જેને કારણે દાણીલીમડા વિસ્તારમાં છાશવારે ટ્રાફિકજામ સહિતની સમસ્યા સર્જાય છે. તાજેતરમાં ધોધમાર વરસાદમાં તંત્રની કામગીરી સામે ફિટકાર વરસાવતા શેહઝાદ ખાન પઠાણે સોશ્યિલ મીડિયામાં એક પોસ્ટ મુકી હતી.
‘ભાજપનો પ્રિ મોન્સુન પ્લાન નિષ્ફળ થતાં અમદાવાદ શહેરનો વિકાસ ગાંડો થયો છે ના બેનર કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ ના મુખ્ય વિસ્તારો માં જાહેર માર્ગો પર લગાડવામાં આવ્યા’ જેને લઇને પણ નાગરિકોમાં રમૂજ વ્યાપી હતી કે કોંગ્રેસના નેતા પહેલા પોતાના વિસ્તારમાં તો રસ્તા, પાણી અને ગટરની સમસ્યાનો અસરકારક ઉકેલ લાવે પછી કોઈની સામે આંગળી ચીંધે. શેહઝાદ ખાન પઠાણના મતવિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી નાગરિકોને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ સાંકડા બન્યા છે. ઠેર ઠેર સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ગેરાકાયદે દબાણો અને કારખાનાઓને કારણે વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે.