એક પરિણિતા પોતાના પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા માટે આવી હતી. આ પરિણિતાએ પોતાના પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. પતિ સમક્ષ પરિણિતાએ બહાનું કાઢ્યું કે, તેને ચક્કર આવી રહ્યા છે. બાદમાં પતિની નજર ચૂકવીને તે ત્યાંથી ભાગી ગઈ હતી. જાે કે, પ્રેમીના બદલે તેના બે મિત્રો પરિણિતાને લેવા માટે આવ્યા હતા. જેઓ તેને મોરબી લઈ ગયા હતા. જ્યાં લઈ ગયા બાદ પ્રેમી અને તેના ત્રણ મિત્રોએ વારંવાર દુષ્કર્મ (આચર્યું હતું. બનાવની જાણ કારંજ પોલીસને થઈ હતી.
જે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરીને ચારમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં રહેતી એક પરિણિતા તેના પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા માટે આવી હતી. જ્યાંથી તે ગુમ થઈ ગઈ હોવાથી કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પણ આ કેસની હકીકત એવી છે કે, પરિણિતાના લગ્ન થયા એ પહેલાં કાસીન્દ્રામાં રહેતા જાવેદ મકરાણી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. જાવેદે પરિણિતાને પોતાની સાથે ભાગી જવાનું કહેતા તે તેની વાતોમાં આવી ગઈ હતી.
બાદમાં તે પોતાના પતિ સાથે લાલદરવાજા ખાતે આવેલા ઢાલગરવાડમાં ખરીદી કરવા માટે આવી હતી. પોતાને ચક્કર આવવાનું કહેતા પરિણિતાનો પતિ પાણીની બોટલ લેવા માટે ગયો હતો. આ દરમિયાન તે ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ કારંજ પોલીસ સ્ટેશનમાં જાણવા જાેગ દાખલ થઈ હતી. પરિણિતા ત્યાંથી ભાગી ગયા બાદ તેના પ્રેમી જાવેદે એવું કહ્યું હતું કે, તે તેને લેવા માટે આવી શકે એમ નથી.
તેના મિત્રો તેને લેવા માટે આવશે. આવું કહ્યા બાદ પરિણિતાને સરખેજ ખાતેના ઉજાલા સર્કલ પાસે બોલાવી હતી. અહીં જાવેદના મિત્ર રોનક સુથાર અને તેની સાથેના બે મિત્રો આવ્યા હતા. બાદમાં પરિણિતાને કારમાં બેસાડીને મોરબી તરફ લઈ ગયા હતા. બાદમાં ત્રણેય મિત્રોએ પરિણિતાનો ગેંગરેપ કર્યો હતો. પરિણિતા ગભરાઈ જતા ત્રણમાંથી બે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે મહેશ નામનો એક આરોપી પરિણિતાને લઈને રાજકોટ પહોંચ્યો હતો. જે તેને ત્યાંની એક હોટલમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.
જાે કે, આ દરમિયાન પરિણિતાનો પ્રેમી જાવેદ આવ્યો નહોતો. આખરે પરિણિતાએ તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. બાદમાં પરિણિતા રાજકોટ પહોંચી અને પોલીસ સમક્ષ હાજર થઈ હતી. જાે કે, તેણે પોતાની સાથે થયેલા ગેંગરેપની વાત જણાવી નહોતી. એ પછી પરિણિતા કારંજ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. જ્યારે પોલીસે પરિણિતાની પૂછપરછ કરી તો તેની સાથે ગેંગરેપ થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પરિણિતાની વાત સાંભળ્યા બાદ પોલીસે ગેંગરેપનો ગુનો નોંધ્યો હતો. બાદમાં તપાસ હાથ ધરીને પરિણિતાના પ્રેમી જાવેદ મકરાણી અને સરખેજના રોનક સુથારને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.