અમદાવાદમાં વધુ એક મહિલા દુષ્કર્મની ભોગ બની હોવાની ફરિયાદ ઉઠતાં સનસનાટી મચી જવા પામી છે. આ મામલે શહેરના નરોડામાં રહેતી મહિલાએ સોલા પોલીસ મથકમાં મહિલાએ આરોપી વિરુદ્ધ ૧૫ લાખ રૂપિયાની છેતરપીંડી અને દુષ્કર્મના ધગધગતા આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે સોલા પોલીસે ફરિયાદના આધારે વધુ તજવીજ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦ના મે મહિનામાં ભોગગ્રસ્ત મહિલા અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા ઘનશ્યામ પટેલ, રાજ પટેલ અને વિધિ પટેલે સાથે નવો વ્યવસાય શરૂ કર્યો હતો. આ વ્યવસાયના પ્રારંભ પેટે આરોપીઓએ મહીલાને રૂપીયાની જરૂરિયાત જણાવતા મહિલાએ ૫ લાખ રૂપિયા આરોપી રાજ પટેલને આપ્યા હતા. ત્યારબાદ વ્યવસાયના બહાને આરોપીઓ સાથે મળવાનું થતું હોવાથી બંને વચ્ચે નિકટતા વધી હતી.
મહિલાએ રૂપિયા આપ્યા બાદ આરોપી રાજ પટેલે મહિલાને ઘરે બોલાવી હતી. જેથી મહિલા ઘરે ગઈ હતી આ દરમિયાન ઘરે કોઇ હાજર ન હોવાથી એકલતાનો લાભ લઈ આરોપી રાજ પટેલે મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સબંધ બાંધ્યા હતા. દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી મહિલાને હેરાન પણ કરતો હોવાના ફરિયાદમાં આરોપ લગવાયા છે.
આરોપી રાજ પટેલે શારીરિક સંબંધ બાંધતો વિડીયો બનાવી લીધા બાદ આ વિડીયો મહિલાના સંબંધીને મોકલી આપવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ વિડીયો વાયરલ ન કરવાનું જણાવી આરોપી રાજે મહિલા પાસેથી વધુ ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી જેને લઇને મહિલાએ બદનામીના ડરથી ૧૦ લાખ રૂપિયા આપ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયુ છે. આમ મળી કુલ ૧૫ લાખની છેતરપીંડી કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપો સાથે ફરિયાદ કરાઇ છે. સોલા પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.