આજે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે અને એ જ રીતે વહેલી સવારથી અમદાવાદમાં તો વરસાદ ખાબકવાનું શરૂ પણ થઈ ગયું છે. જો કે હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી છે. ત્યારે આજની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
વિસ્તાર પ્રમાણે જો વાત કરીએ તો સાબરમતી,ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સાથે જ જીવરાજ પાર્ક,વેજલપુર, પાલડીમાં પણ ધોધમાર વરસાદ શરૂ છે અને શિવરંજની, શ્યામલ, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં આજે સવારથી જ વરસાદ શરૂ છે. રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહીના પગલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ રાખવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો 85.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં 14 ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે 14 ઓગસ્ટ સુધી 12.18 ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર 36.84 ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના 41 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છમાં 137 ટકા, દક્ષિણ ગુજરાતમાં મોસમનો 95 ટકા, સૌરાષ્ટ્રમાં 78 ટકા, ઉત્તર ગુજરાતમાં 76 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે 16 ઓગસ્ટે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સોમવારે વરસાદ શરૂ થયો હતો જે આજે મંગળવારે પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા 18 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.