ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડંકા વાગી ગયા છે. ત્રણેય પક્ષ દ્વારા ઉમેદવારોની બુલેટ ટ્રેનની સ્પીડે પોતાની રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપી છે, એ સાથે જ હવે ભાજપમાં અને હાર્દિકના સમર્થકોમાં પણ મોટો આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને આ રીતે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળવી એને પણ એક રાજકીય એંગલથી જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન સમયે વિસનગર તોડફોજ કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઈકોર્ટે આંશિક રાહત આપી છે. હવે હાર્દિક પટેલ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હળવી ટકોર કરી હતી. આ કેસમાં થયેલી સજા રદ થઈ જાય તો પણ સરકારને વાંધો નહીં હોય એવી ટકોર પણ કરી હતી.