Gujarat News: ICC વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન અમદાવાદની હોટલો ફુલ થઈ ગઈ હતી. ક્રિસમસ અને નવા વર્ષની સમાપ્તિ બાદ ફરી આવી જ સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મોંઘીદાટ હોટેલોનું ભાડું 1.50 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી વચ્ચે હોટલોની માંગ એટલી વધી ગઈ છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વ્યાજબી દરે રૂમ ન મળતાં લોકો વડોદરા અને સુરત તરફ વળ્યા છે. લોકોને મોટાભાગે એવો જવાબ મળી રહ્યો છે કે આ સમયગાળા દરમિયાન હોટેલો ભરાઈ ગઈ છે, જ્યાં રૂમ ઉપલબ્ધ છે ત્યાં મહત્તમ ભાડું 1.50 લાખ રૂપિયા થઈ ગયું છે. સમિટ ઉપરાંત મકરસંક્રાંતિના તહેવારને કારણે હોટલોની માંગ પણ વધી રહી છે. ઉત્તરાયણનો તહેવાર જોવા માટે ઘણા પ્રવાસીઓ અમદાવાદની પણ મુલાકાત લે છે.
ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે કોર્પોરેટ જગતના લોકોને છેલ્લી ઘડીએ હોટલ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. ગાંધીનગરમાં 9 થી 12 જાન્યુઆરી દરમિયાન સમિટ યોજાશે. વાઈબ્રન્ટ સમિટના કારણે અમદાવાદના હોટેલ ઉદ્યોગમાં ભારે તેજી આવી છે. ગાંધીનગર અને અમદાવાદની હોટલોમાં મોટા પાયે બુકિંગ થઈ ગયું છે. વાઈબ્રન્ટ માટે હોટેલ બુકિંગ 9મીથી 12મી જાન્યુઆરી સુધી ફુલ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 9 જાન્યુઆરીએ ગુજરાત પહોંચશે અને 10 જાન્યુઆરીએ સમિટનું ઉદ્ઘાટન કરશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં થ્રી સ્ટાર, ફાઇવ સ્ટાર હોટલનું ભાડું રૂ.20 હજારથી રૂ.1.50 લાખ સુધી પહોંચી ગયું છે, જ્યારે ફાઇવ સ્ટાર હોટલના સ્યુટનું ભાડું રૂ. બે લાખને વટાવી ગયું છે. કોરોનાના કારણે ચાર વર્ષ બાદ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ 2019માં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ હતી. જેના કારણે આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ ભારત અને વિદેશના 70 હજાર પ્રતિનિધિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્રણ દિવસમાં એક લાખથી વધુ લોકો ગુજરાતના મહેમાન બનશે.
રામ મંદિરના ઉદ્ઘાટન બાદ PM મોદીની દેશભરમાં વિશાળ રેલી, ભાજપની બેઠકમાં લેવાયો નિર્ણય, ભાજપનો નિર્ણય
દીપડાઓના ત્રાસ સામે તંત્રની હવે આંખ ખુલી, તાલુકા દીઠ 10 પાંજરાં મુકાશે, ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ
હોટેલ દ્વારા મહેમાનોના સ્વાગત તેમજ માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂમ ભાડે રાખનાર મહેમાનને અમદાવાદ અને ગુજરાતની આસપાસના પ્રવાસન સ્થળોની માહિતી આપવામાં આવશે. ગુજરાત સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રજિસ્ટર્ડ ડેલિગેટ્સ માટે હોટેલ્સની યાદી આપી હતી. તેમાં સિંધુ ભવન રોડ પર આવેલી કોર્ટયાર્ડ મેરિયોટ, ક્રાઉન પ્લાઝા, ફેરફિલ્ડ મેરિયોટ, ફોર્ચ્યુન લેન્ડમાર્ક, હયાત અમદાવાદ, નોવાટેલ, પ્રાઇડ પ્લાઝા અને રેડિસન બ્લુ જેવી સાત-સ્ટાર હોટેલોનો સમાવેશ થાય છે.