અમદાવાદમાં સતત મેધમ મહેર જોવા મળી રહી છે. આજે સવારમા જ ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં. આ વચ્ચે એજ વિચિત્ર દ્ર્શ્યો સામે આવ્યા છે. સફાઈકર્મીઓને તંત્ર દ્વારા વિચિત્ર આદેશ આપવામાં આવ્યો છે. શહેરમા જ્યા સુધી પાણી ન ઊતરે ત્યાં સુધી કર્મચારી ગટરનાં ઢાંકણાં પાસે ઊભેલા જોવા મળ્યા. અસારવાના એક કર્મચારીએ જણાવ્યું હતું કે સવારે વરસાદ શરૂ થયો ત્યારથી અમારી નોકરી ચાલુ થઈ છે.
આગળ વાત કરતા તેમણે જણાવ્યુ કે વરસાદનું પાણી ઊતરે નહીં ત્યાં સુધી અમારે ગટર પાસે જ ઊભું રહેવાનું અને કચરાને હટાવીને પાણી જવાનો રસ્તો કરવાનો. છેલ્લા વરસાદમાં હું 13 કલાક ગટરનાં ઢાંકણાં પાસે ઊભો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ભારે વરસાદે ખુલ્લી કરી નાખી હતી. હવે લોકોના જીવ બચાવવા માટે ગટરગાર્ડ ઉભા રખાયા છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં આજે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. આ દરમિયાન ન્યૂ રાણીપ ઓવરબ્રિજ ટ્રાફિકજામના દ્ર્શ્યો સર્જાયા હતા. અખબારનગર અંડરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવાયો હતો. આ સિવાય શહેરમા અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હેરાન થઈ ગયા છે.