સામાન્ય રીતે અમદાવાદમાં વરસાદ ઓછો પડે છે. પરંતુ આ વખતે વરસાદ ઓછું થવાનો નામ જ નથી લેતો. આજે સવારે ફરીવાર અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. અમદાવાદમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ ખાબકી ગયો છે.
વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો પાલડી, વાસણા, વેજલપુર, શાહપુર, દરિયાપુર, શાહીબાગ, મેમકો, સરસપુર, મણિનગર, બોડકદેવ, સાયન્સ સીટી, વસ્ત્રાપુર, ઓઢવ, વિરાટનગર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. , જ્યારે ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ન્યુ રાણીપ ઓવરબ્રિજ પર છેલ્લા 20 મિનિટથી ભારે ટ્રાફિકજામ થયો છે.
તો બીજી તરફ ચામુંડા બ્રિજથી સરસપુર સુધી પાણી ભરાયા. સર્કલથી ચારે તરફ જવાના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં પાણીમાં ફીણ પણ જોવા મળ્યું હતું. પાણી ભરવાના કારણે વાહન બંધ થતાં અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. નજીકમાં હોસ્પિટલ હોવાથી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હોવાના ઘણા સમાચાર સામે આવ્યા છે. રાહદારીઓ પણ કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલતા જતા નજરે પડ્યા હતા.