મૌલિક દોશી (અમરેલી)
લાઠી રોડ પર આવેલ રેલવે ફાટક બંધ થતું હતું. વગર ટ્રેને ફાટક 10 થી 15 મિનીટ સુધી બંધ રહેતું હતું. જેના કારણે લાઠી રોડ પર વાહન વ્યવહાર ખોરવાતો હતો. અને ટ્રાફિકની સમસ્યા વધી હતી. ત્યારે હવે રેલવે ફાટક બંધ ન થતા ટ્રાફિકની સમસ્યા પણ હળવી બની છે. અમરેલીના લાઠી રોડ પર આવેલ રેલવે ફાટક પર ટ્રેન પસાર થતી ન હતી છતાં પણ ફાટક ટ્રેનના સમયે દરરોજ બંધ થતું હતું. રેલવે તંત્ર નિયમ પ્રમાણે ચાલતુ હતું.
ચલાલા તરફથી આવતી ટ્રેનમાં સીગ્નલ મળી રહે તે માટે ફાટક નિયમીત બંધ કરાતું હતું. જો કે હવે રેલવે તંત્રએ આ પ્રશ્નનો કાયમી ઉકેલ કરી દેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. ખીજડીયામાં રેલવે લાઈનના બ્રોડગ્રેજની કામગીરી શરૂ થઈ હતી. જેના કારણે અમરેલીથી ખીજડીયા તરફ જતો ટ્રેન વ્યવહાર બંધ થયો હતો. અત્યારે અમરેલીમાં વેરાવળ અને જૂનાગઢનો ટ્રેન વ્યવહાર શરૂ છે. અમરેલી રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેન આવે ત્યારે લાઠી રોડ પર આવેલ રેલવે ફાટક બંધ થતું હતું. અહીથી ટ્રેન પસાર થતી ન હોવા છતાં ફાટક બંધ થઈ રહ્યું હતું.
અમરેલી રેલવે સ્ટેશન માસ્ટર વ્યાસે જણાવ્યું હતું કે રેલવેના કાયદા મુજબ ટ્રેન પસાર થતી ન હોવા છતાં પણ ફાટક બંધ કરવાની ફરજ પડતી હતી.અહી ફાટક બંધ થાય અને ચાવી સ્ટેશન પર પહોંચે ત્યારે જ ચલાલા તરફથી આવતી ટ્રેન અમરેલી રેલવે સ્ટેશન પર આવતી હતી. સીગ્નલ મળ્યા બાદ જ ટ્રેનના પાયલોટ ટ્રેનને સ્ટેશન પર લઈ આવતા હતા. પરંતુ હવે સીગ્નલ હટાવી દેવામાં આવ્યું છે. જ્યારે એન્જીનને સટીંગ કરવાનું હોય ત્યારે ફાટક બંધ કરવાનું હોય છે. પણ આવા કિસ્સામાં મોટા ભાગે અત્યારે ફાટક બંધ કરાતું નથી. અને લાઠી રેલવે ફાટક પાસે રેલવે લાઈન પર સ્ટોપનું બોર્ડ લગાવી દેવાયું છે.