ગુજરાતના બોટાદમાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી એકસાથે 29 લોકોનાં મોત અને 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવાતા અરેરાટી મચી છે..આ ઘટના બાદ ગામ આજ સવારથી શોકમા ડૂબી ગયુ છે.
વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી છે. લઠ્ઠાકાંડના મામલે આજે સવારથી જ 17 એમ્બ્યુલન્સ દોડી રહી છે જેમાં 9 વાગ્યા સુધીમાં એમ્બ્યુલન્સ દ્વારા 85 લોકોને રીફર કરાયા છે જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ સિવિલમાં દર્દીઓ સામેલ છે.
આ મામલે હવે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ લઠ્ઠાકાંડના દર્દીઓમાંથી કેટલાક દર્દીઓના આંખોની રોશની નબળી પડી છે. હાલ 57 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ છે અને જ ભાવનગરમાં 10 દર્દીઓના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘણા દર્દીઓની આંખોની રોશની ગાયબ થઇ ગઈ હોવાના સમાચાર સામે આવતા પરિવારજનોને મોટો આધાત લાગ્યો છે.
અમદાવાદ સિવિલમાં પણ લઠ્ઠાકાંડના દર્દીઓને દાખલ કરાયા છે અને જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. C7 વોર્ડ બહાર સિક્યોરિટી ગાર્ડ ખડે પગે છે. મીડિયાને પણ જવા પર પ્રતિબંધ કરી દેવાયો છે.