અમદાવાદ શહેરમાં સામાન્ય ઘરમાં રહેતી મહિલાઓ પર સાસરિયા ત્રાસ ગુજારતા હોવાના બનાવો બનતા રહે છે. પરંતુ અહીં તો ખુદ મહિલા પોલીસ કોન્સ્ટેબલ આવા ત્રાસનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. પતિને નોકરી છૂટી જતા સાસરિયાના લોકો ઘરખર્ચ માટેની રકમ ફરિયાદી પાસે માંગતા હતા. એટલુ જ નહીં, ‘ક્યાં જાય છે? કેમ બધા સાથે હસી હસીને વાતો કરે છે? તે વાતની પતિ તપાસ કરાવતો હતો.
આટલું જ નહીં, સસરા તો આ કોન્સ્ટેબલના પુત્રને રાખવા દર મહિને બે ત્રણ હજાર પણ લેતા હતા. સમગ્ર બાબતોથી કંટાળી આખરે ફરિયાદ કરતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. શાહ આલમમાં રહેતી ૩૦ વર્ષીય યુવતી તેના પુત્ર સાથે રહે છે. મહિલા શહેર ટ્રાફિક વિભાગમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વર્ષ ૨૦૧૮માં મહિલા કોન્સ્ટેબલે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ તે સાસરે રહેવા ગઈ હતી.
લગ્નના છ મહિના બાદ ફરિયાદીના પતિની નોકરી છૂટી જતા તે અવારનવાર ત્રાસ આપવા લાગ્યો હતો. મહિલા કોન્સ્ટેબલના સસરા પણ ઘર ચલાવવાનું કહી દહેજ ન લાવી હોવાનું જણાવી તેના પિતા પાસેથી ભાગ માંગી ઘર ખર્ચની રકમ માંગીને ત્રાસ ગુજારતા હતા. આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલના પતિને ઈંડાનો ધંધો કરવો હોવાથી યુવતીએ પૈસા આપ્યા હતા. સાતેક માસમાં આ ધંધો બંધ થઈ જતા ૧.૪૦ લાખનું નુકસાન યુવતીએ ભોગવ્યું હતું.
શ્રીમંતનો ખર્ચ પણ સાસરિયાઓએ આ મહિલા કોન્સ્ટેબલ પાસે કરાવ્યો હતો. બાદમાં દીકરાનો જન્મ થતા પતિએ શંકા કરવાનું શરૂ કર્યું હતું. મહિલા જ્યારે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરીએ જતી હતી ત્યારે તેનો પતિ ‘મને જાણ કર્યા વગર કોની સાથે વાત કરે છે? હસી હસીને વાતો કરે છે? ફરજ પર આવી છે કે નહીં તેની તપાસ કરતો હતો. અવારનવાર મહિલા પોલીસની નોકરીના લીધે મોડી આવે તો પતિ શંકાઓ કરી માર મારી ઝઘડા કરતો હતો.
પતિએ ઇલેક્ટ્રોનિકની દુકાનમાં નોકરી શરુ કરી તો પગાર બાબતે પત્નીને કંઈ કહેતો નહીં. દર મહિને ઘરખર્ચના પૈસા ફરિયાદી મહિલા કોન્સ્ટેબલ પાસે માંગી લેતો હતો. યુવતી નોકરીએ જાય ત્યારે પૌત્રને રાખવા સસરા યુવતી પાસે દર મહિને બે ત્રણ હજાર માંગી ત્રાસ આપતા હતા. આ બાબતોથી કંટાળીને મહિલાએ ફરિયાદ આપતા હવે પોલીસે મહિલા કોન્સ્ટેબલની પતિ, દિયર અને સસરા સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.