Ahmedabad News: હાલમાં ભક્તો ડાકોર અને દ્વારકા ચાલીને પગપાળા યાત્રા માટે નીકળતા હોય છે. આ તડકામાં ચાલીને જવું અને એ પણ એટલા કિલોમીટર એ કંઈ બચ્ચાના ખેલ નથી. આ તો બધું ભક્તિભાવના કારણે જ શક્ય બનતું હોય છે. ત્યારે રસ્તામાં આવા પગપાળા યાત્રાળુઓની સેવા માટે પણ અનેક સંસ્થા અને લોકો કામ કરી રહ્યા છે અને વર્ષોથી સેવા આપી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક દિવ્યાંગોનું પણ ગૃપ છે જે ઘણા વર્ષોથી આવા પગપાળા યાત્રાળુની સેવા કરી રહ્યા છે.
આ વર્ષે પણ યાત્રાળુ માટે ઠંડી છાસનું વિતરણ કરવાનો પોગ્રામ રાખી સેવાના કામો હાથ ધરવામાં આવ્યા હતા. સતત 3 દિવસ સુધી યાત્રાળુઓને ઠંડી છાસ પીવડાવી આ દિવ્યાંગ મિત્રોએ અનોખી સેવા કરી હતી. આ ગૃપનું નામ જય દ્વારકાધીશ દિવ્યાંગ મિત્ર મંડળ રાખવામાં આવ્યું છે..
જય દ્વારકાધીશ દિવ્યાંગ મિત્ર મંડળની ટીમ આ કામ વિશે જણાવે છે કે, છેલ્લા પાંચેક વર્ષ પહેલા અમારા ચાર દિવ્યાંગ મિત્રોના મનમાં વિચાર આવ્યો કે જેમની પાસે તમામ સુખ સંપત્તિ છે શારિરીક રીતે સક્ષમ અને મજબુત છે, જેમને ઈશ્વરે બધી રીતે સુખ સંપત્તિ ધન બધી રીતે સુખી રાખ્યા છે અને એવા ઘણાબધા કોઈ સેવા કરતા નથી. પરંતુ આપણને તો ઈશ્વરે ભલે શારીરિક રીતે કોઈને કોઈ ખામી આપી છે પણ બીજી અનેક શક્તિઓ પ્રદાન કરી છે અને માનસિક મનોબળ બહુ જ મજબૂત આપ્યું છે તો આપણે દિવ્યાંગ મિત્રો મળીને ડાકોર જતા પદયાત્રીઓની સાચી પ્રભુ સેવા કેમ ન કરી શકીએ?
આ વિચારને તરત જ અમલમાં મૂકી અમે કેમ્પનું આયોજન કર્યું અને બહુ જ સુંદર અને ધાર્યું હતું એના કરતાં પણ હજાર ગણુ સફળ થયું. બસ ત્યારથી જ આ કામ શરૂ રાખ્યું છે. અમે તો દ્વારિકાધીશના ગોવાળિયા છીએ અને દ્વારિકાધીશ આ બધી સેવા કરાવી રહ્યા છે. ટૂંકમાં કરવા વાળો પણ દ્વારકાવાળો અને કરાવવા વાળો પણ દ્વારકા વાળો જ છે એવું માનીને આ કામ શરૂ રાખ્યું છે અને હજુ પણ આવી જ સેવા કરતાં રહેશું.
આ દિવ્યાંગ મિત્રોની જય દ્વારકાધીશ દિવ્યાંગ મિત્ર મંડળ ટીમમાં રાકેશ પટેલ, નરેન્દ્ર પટેલ, કુલદીપ સિંહ રાઓલ, ભરત સિંહ વાઘેલા અને અન્ય મિત્રો આ કામમાં દર વર્ષે ટેકો આપી રહ્યા છે.