શહેરમાં ઠક્કરનગર વિસ્તારમાં ૨૦ રૂપિયા ના આપતા ચાર ઈસમોએ એક વ્યક્તિને માર મારી ખિસ્સામાંથી રૂપિયા ૧૦,૫૦૦ કાઢી લૂંટ ચલાવી છે. આરોપીઓએ ફરિયાદી પાસે ૨૦ રૂપિયા માંગ્યા હતા. જાેકે ફરિયાદીએ રૂપિયા ના આપતા એક આરોપીએ ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને ‘પૈસા આપ નહિતર આ ચપ્પુ તારા પેટમાં નાખી દઈશ’ તેવી ધમકી આપીને લૂંટ ચલાવી છે.
ઠક્કર નગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંગ રાજપૂત ગઈકાલે બપોરે બારેક વાગ્યાની આસપાસ ઠક્કરનગર બી આર ટી એસ બસ સ્ટેન્ડ નજીક આવેલ ગેરેજમાં રીપેરીંગ કરવા માટે આપેલ એકટીવા લેવા માટે ગયા હતા. જાે કે એકટીવા રિપેરમાં એક કલાકનો સમય લાગે તેમ હોવાથી ફરિયાદી ઠક્કર નગરએ એમ ટી એસ બસ સ્ટેન્ડ પર જઈને બેઠા હતા.
જ્યાં વસંત નગરના છાપરામાં રહેતા વિજય ઉર્ફે બટ્ટો બાવરી સહિત ચાર લોકો આવ્યા હતા. જેમાંથી મયુર ઉર્ફે દીપુએ ફરિયાદી પાસે વીસ રૂપિયાની માંગણી કરી હતી. જાે કે ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતા વિજય ઉર્ફે બટ્ટો બાવરીએ ચપ્પુ કાઢીને પૈસા આપ નહિતર આ ચપ્પુ તારા પેટમાં નાખી દઈશ તેવી ધમકી આપી હતી, અને બીજા ત્રણ આરોપીઓએ ફરિયાદી ના ખિસ્સા તપાસવા લાગ્યા હતા.
જાે કે ફરિયાદી આમ ના કરવા કહેતા અન્ય ત્રણ આરોપીઓએ ફરિયાદીને માર મારીને તેમના ખિસ્સામાંથી રૂપિયા ૧૦,૫૦૦ કાઢી લીધા હતા. જેથી ફરિયાદીએ બૂમાબૂમ કરતા ચારેય ઈસમો ત્યાંથી નાસી ગયા હતા. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને વિજય, કમલેશ, ગોપાલ તેમજ મયુર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે.