ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. દરેક નેતાઓ પોતાની તૈયારીમાં છે અને જેને જેને ટિકિટ મળી તેઓ ફોર્મ ભરવા પણ જઈ રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે. પરંતુ ફોર્મ ભરતા પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન અમિત શાહે એક જબરદસ્ત રેલી યોજી હતી. જેમાં અમિત શાહે નિવેદન આપ્યું હતું.
અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, આજે ભૂપેન્દ્ર ભાઈના ફોર્મ ભરાવવા અનેક સમાજના લોકો આવ્યા છે. રબારી સમાજ પણ લાલ ચટક પાઘડી પહેરીને આવ્યો છે. 1990થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ જાળવી રાખ્યો છે અને એટલા માટે શક્ય બન્યું છે કારણ કે ભારતીય જનતાની પાર્ટી પર જનતાના આશીર્વાદ રહ્યા છે. 90થી આજ સુધી વિધાનસભા અથવા લોકસભાને ગુજરાતમાં જનતાએ ભાજપને પરાજય બતાવ્યો નથી. જેને જે હિસાબ લગાવવો હોય એ લગાવે, ડાયરીમાં લખી લો, બધા વિક્રમ તોડી સરકાર બનશે. અમિત શાહે પોતાની વાતમાં જણાવ્યું હતું કે, હું તો ભૂપેન્દ્ર ભાઈને અભિનંદન આપું છું. વસ્તી કરતા વધારે મજાર બની બેટ દ્વારકામાં…દૃઢતા સાથે ભૂપેન્દ્ર ભાઈએ ત્યાં કામ કર્યું છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, ઈન્ફરાસ્ટ્રક્ચર, પંચાયતી રાજનું મોડલ જોવું હોય તો ગુજરાતમાં જુઓ. નરેન્દ્ર ભાઇ એવું કરીને ગયા કે એમના બાદ આનંદીબેન, રૂપાણી અને ભુપેન્દ્રભાઈમાં પણ એ વિકાસ યાત્રા ચાલુ રહી છે. કોંગ્રેસીયા પાછા આવ્યા, અમે કામ કર્યું કામ કર્યું, પણ ગુજરાત બધું જાણે છે.
ઉલ્લેખનીય છે કે સવારે પ્રભાત ચોક પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકરો અને પોતાના સમર્થકો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રભાતચોક પહોંચી ગયાં હતા. મુખ્યમંત્રીએ અમિત શાહનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે એક જાહેર સભામાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સવારે ભુપેન્દ્રભાઈ પટેલે ફોર્મ ભરવા જતાં પહેલા ત્રિમંદીર ખાતે આત્માજ્ઞાની દિપકભાઈ દેસાઈના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.