વિવાદનો અખાડો એટલે પ્રખ્યાત છોકરી કીર્તિ પટેલ. ફરીવાર કીર્તિ વિવાદમાં આવી છે અને અમદાવાદની એક યુવતીએ લોખંડની પાઈપથી માર માર્યાની ફરિયાદ પણ કરી છે. સેટેલાઈટ પોલીસમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. બન્યું કંઈક એવું કે અમદાવાદમાં રાણીપ ખાતે રહેતા 27 વર્ષની યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે અને તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. 6 મહિના અગાઉ તે ઈન્સ્ટાગ્રામમાં તેના મિત્રો સાથે લાઈવ હતી. ત્યારે જ કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવીને તેની માતાને ગાળો ભાંડી હતી.
હાલમાં આ મામલે યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. 21મી ફેબ્રુઆરીની રાતની ઘટના વિશે વાત કરવામાં આવે તો યુવતી ઘરેથી ઈન્સ્ટાગ્રામમાં લાઈવ હતી, તે દરમિયાન કોઈએ કમેન્ટ કરી કે ‘તમારી ગાડીના કાચ તૂટ્યા છે’. જેથી યુવતી ફ્લેટમાં નીચે ગાડી જોવા જતા ત્યાં એક બહેને તેને જણાવ્યું કે, તમે નીચે ના જશો તમારી ગાડીના કોઈએ કાચ તોડ્યા છે અને ત્યાં કેટલાક માણસો ઊભા છે જે તમને નુકશાન કરશે.
આ યુવતીએ નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં હતા, પરંતુ ત્યાં કોઈ હાજર હતું નહીં. બાદમાં આ યુવતી તેના ઘરે ગઈ હતી અને થોડીવારમાં તેની મિત્રની ગાડીની ચાવી લઈને તપાસ કરવા બહાર નીકળી હતી.
જ્યારે આ તપાસ ચાલતી હતી ત્યારે આ યુવતીને ચા પીવી હોવાથી એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ માટે ગઈ હતી. તે કારમાં હતી આ દરમિયાન અચાનક કાચ તૂટવાનો અવાજ આવતા તે બહાર નીકળી. એટલામાં જ તેના માથા અને બરડાના ભાગ પર કોઈએ ફટકા માર્યા હતા.
યુવતીએ પાછળ જોતા તે કીર્તિ પટેલ હતી અને તેના હાથમાં લોખંડની પાઈપ હતી એવું આ યુવતીનું કહેવું છે. માથામાં પાઈપ વાગતા યુવતીને લોહી નીકળી રહ્યું હોવાની પણ વિગતો સામે આવી રહી છે.
જો કે વાત એવી પણ છે કે કીર્તિ પટેલે યુવતીને બિભત્સ ગાળો આપી રહી હતી, તેની સાથે એક અન્ય યુવક અને યુવતી પણ હતા, તેઓ પણ યુવતીને ગાળો બોલીને, અમારા ગ્રુપની સામે પડી તો તને જાનથી મારી નાખીશું, એવી ધમકી આપી હતી. એટલામાં યુવતીએ પોતાના માનીતા ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવી હતી.