ગુજરાતમાં દારુબંધી છે પરંતુ પ્રોહિબેશન અધિકારી બનવા માટે પડાપડી થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં દારુબંધીને લાગુ કરવા માટે સબ-ઈન્સ્પેક્ટરની ૩૯ જગ્યાઓ સામે કુલ ૧.૧૩ લાખ અરજીઓ આવી છે. ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (જીએસએસએસબી) દ્વારા નશાબંધી અને આબખારી વિભાગ વતી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સબ-ઈન્સ્પેક્ટરની પોસ્ટ પર નિમણૂક થનારા ઉમેદવારોએ કેવી કામગીરી કરવાની રહેશે તે પણ સ્પષ્ટ થયું છે.
જીએસએસએસબીદ્વારા ૩૯ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં ઉમેદવારોએ ૫ વર્ષ માટે ફિક્સ પગાર સાથે નોકરી કરવી પડશે. નિમણૂક બોર્ડ દ્વારા ૩૧ જુલાઈએ રાજ્યના અલગ-અલગ સેન્ટરો પર પરીક્ષા યોજવામાં આવશે, જેના માટે ૧.૧૩ લાખ અરજીઓ મળી છે. એટલે કે ૧ જગ્યા સામે ૨,૮૯૭ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થવાની છે.
નશાબંધી અને આબખારી વિભાગના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા એક અધિકારીએ જણાવ્યું છે કે, હાલમાં અલગ-અલગ સ્તર પર અડધાથી વધુ જગ્યાઓ ખાલીપડી છે. અધિકારીએ જણાવ્યું કે, “૬૫૦ પદો ધરાવતા વિભાગમાં ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર, ઈન્સ્પેક્ટર, બસ-ઈન્સ્પેક્ટર અને અન્ય પદોની ૩૫૦ જેટલી જગ્યાઓ ખાલી પડી છે.” વધુમાં આ ભરતી પ્રક્રિયા અંગે સૂત્રોએ જણાવ્યું છે કે, “લાંબા સમય પછી સરકારે આ વિભાગમાં સબ-ઈન્સ્પેક્ટર પદની ભરતી માટે મંજૂરી આપી છે. આ કર્મચારીઓ ફિલ્ડ પર રહીને ફરજ નિભાવવાની રહેશે. સબ-ઈન્સ્પેક્ટરની ફરજમાં નશાબંધીના કાયદાને શ્રેષ્ઠ રીતે અમલી બનાવવામાં આવે તેની જવાબદારી રહેલી છે. સબ-ઈન્સ્પેક્ટરને દારુના વપરાશ માટે હેલ્થ પરમિટ આપવાની કામગીરી પણ સોંપવામાં આવી છે.”
જીએસએસબીના અધિકારીએ જણાવ્યું કે, જે પદની ભરતી માટે ૫ વર્ષ માટે ફિક્સ પગારની જાેગવાઈ કરવામાં આવી છે તે પદ માટે આટલી મોટી સંખ્યામાં આવેલી અરજીઓ અમારા માટે આશ્ચર્યની વાત છે. એક અધિકારીએ આ અંગે વાત કરતા જણાવે છે કે, “આ આશ્ચર્યની વાત છે કે વર્ગ-૩ના ૩૯ પદ માટેની ભરતી સામે ૧.૧૩ લાખ ઉમેદવારોએ રસ દર્શાવ્યો છે.” અધિકારીએ જણાવ્યું છે કે, “પાંચ વર્ષ પછી સરકાર પસંદ થયેલા ઉમેદવારોની કામગીરીનું મૂલ્યાંકન કરશે.” એસએસએસબીના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, પહેલી પરીક્ષા આ મહિનાના અંતમાં યોજાવાની છે, અને તેમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની વર્ષના અંતમાં બીજી પરીક્ષા યોજાશે.