હાલમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડ એક શબ્દ ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. આ શબ્દ કે આ કાંડ કોઈ નવો નથી. ઘણા શહેરોમાં આ પહેલાં પણ ઘણા લોકોના જીવ ગયા છે અને લોકો મોતને ભેટ્યા છે. ત્યારે એવું લાગે છે કે ગાંધીના ગુજરાતમાં દારુબંધી નામ માત્રની જ છે અને હાથ નાંખો ત્યાં દારુ મળે એવી સ્થિતી છે. ઝેરી દારુ એટલે કે લઠ્ઠો પીને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં 30થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો એ ઘટના ભારે ચર્ચા છે. આ ઘટનાથી ગુજરાતે ફરી દારુબંધી વચ્ચે દારુની રેલમછેલના કારણે બદનામી જ થઈ રહી છે.
પોલીસની મિલિભગત આટલી હદે છતી થઈ છે કે ન પૂછો વાત. પોલીસ ભલે દારુ પર કડક નિયંત્રણના દાવા કરતી હોય પરંતુ અંતરિયાળ વિસ્તારો નહીં પણ અમદાવાદ શહેરમાં જ ખુલ્લેઆમ દારુ વેચાતો હોવાના પુરાવા મળી આવ્યા છે. વિગતો મળી રહી છે કે અમદાવાદના શાંત અને સમૃદ્ધ તથા પોશ ગણાતા સોલા વિસ્તારમાં જાણે કે દારુના વેચાણના મેળા ભરાતા હોય એવો માહોલ છે. ખુલ્લેઆમ ખાટલા નાંખીને દેશી દારુની પોટલીઓ નારિયેળપાણીની જેમ વેચાતી જોવા મળી રહી છે.
જો કે આટલી વાતથી વસ્તુ અટકી જતી નથી. તેથી પણ વધુ શરમજનક બાબત તો એ છે કે આ દેશી દારુ નાના બાળકો વેચે છે. જે બાળકોને કદાચ એ પણ નહીં ખબર હોય કે ગુજરાતમાં દારુ બંધી ચાલે છે એ બાળકો આજે ધોમ દારુ વેચીને પૈસા કમાવાના રવાડે ચડી ગયા છે.