રાજ્યમાં સરકારી હોસ્પિટલનો ડોક્ટર્સ વિવિધ માંગોને લઈને ફરીથી હડતાલ પર ઉતર્યા છે, જેથી દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ૧૦ હજારથી પણ વધુ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરતા ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર ભારે અસર થઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તો દર્દીઓની લાઈનો લાગી ગઈ હોવાના અહેવાલ મળ્યા છે. સમયસર સારવાર ન મળતા દર્દીઓ ઉપરાંત તેમના પરિવારજનો પણ હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
ડોક્ટર્સની હડતાલને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જાેવા મળી રહી છે. એક દર્દીએ જણાવ્યું કે, હાથ-પગમાં ફ્રેક્ચર બાદ ડ્રેસિંગ માટે ડોક્ટરને બતાડવા આવ્યા હતા, પરંતુ ખબર નહોતી કે, ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે. બીજી તરફ ડોક્ટરોનું કહેવું છે કે, સરકારે અમારો ભરોસો તોડ્યો છે. એટલે ના છૂટકે અમારે હડતાલ પર ઉતરવું પડ્યું છે. હડતાલમાં પાંચ સગંઠનો જાેડાયા છે.
આ મામલે જીએમટીએના પ્રમુખ અને સેક્રેટરીના જણાવ્યા અનુસાર પડતર માંગણીઓ મુદ્દે ૨૦૧૨થી લડત ચાલુ છે. ૧૬ મે ૨૦૨૧ના રોજ એનપીએ માટે ઠરાવ થયો હતો. જાે કે, સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. ૩૧ માર્ચ વિતી હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો ર્નિણય લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન , જીએમઈઆરએસ ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, જીએમએસ કલાસ ૨ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન, ઈએસઆઈએસ ડૉક્ટર્સ એસોસિએશનના ડૉકટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેમણે જણાવ્યુ કે ૧૦ હજાર ડૉકટર, છ સરકારી મેડિકલ કોલેજના ડૉકટર્સથી લઈ પીએચસીના ડૉકટર્સ આ પ્રોટેસ્ટમાં જાેડાયા છે.