સામાન્ય રીતે પોલીસનું નામ પડતાં જ હપ્તા લેવા અને દાદાગીરી સહિતની છાપ લોકોના માનસપટ ઉપર આવી જાય છે. અમુક ભ્રષ્ટ પોલીસ કર્મચારીના લીધે આખા ડીપાર્ટમેન્ટનું નામ ખરાબ થાય છે. ત્યારે હવે પોલીસની ખરાબ છાપ સુધારવા નવુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસને સારી કામગીરીનો સોશીયલ મીડિયા ઉપર પ્રચાર કરવા એક પરિપત્રથી સૂચના આપવામાં આવી છે. પોલીસ દ્વારા કરવામાં આવતી હકારાત્મક કામગીરી અને પોલીસનો સંદેશો લોકો સુધી જલ્દી પહોંચતી નથી. જે માટે અમદાવાદ પોલીસ હવે સોશિયલ પર એક્ટિવ થઈ છે.
અમદાવાદ પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ વધુમાં વધુ પોલીસના સોશિયલ મીડિયા સાથે જોડાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા રોજબરોજ કરવામાં આવતી કામગીરી જેમ કે ટ્રાફિક અવેરનેસ, માર્ગ અકસ્માત અટકાવવા સંર્દભેની કામગીરી, ટ્રાફિક નિયમોનો આમ પ્રજા મારફતે અમલ કરવા જનજાગૃતિ, સુરક્ષા સેતુ અંતર્ગતની કાર્ય વગેરેનો પ્રચાર પ્રસાર થાય તે માટે અમદાવાદ પોલીસના સોશિયલ મીડિયાના પેજ પર પોલીસકર્મીઓ તથા અધિકારીઓએ વધુમાં વધુ ઉપયોગ કરવાનો રહેશે.
પોલીસ કમિશનરે વધુમાં જણાવેલ કે, પોલીસના સોશિયલ મીડિયાને તમામ અધિકારી અને કર્મચારી ફોલો કરે તે ઇચ્છનીય છે. તેમજ આ મેસેજ અન્ય ગ્રુપમાં પ્રસિદ્ધ કરવાનો રહેશે. આ પરિપત્ર અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો છે.