હાલમાં ગુજરાતીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે IPLના ગુજરાતી દર્શકો ગુજરાતી કોમેન્ટ્રીની મજા માણી શકશે. આ કોમેન્ટ્રી પેનલમાં ગુજરાતના પૂર્વ ક્રિકેટરો, રેડિયો જોકી, સ્ટેન્ડ અપ કોમેડિયન દ્વારા ક્રિકેટપ્રેમીઓ માટે ગુજરાતીમાં કોમેન્ટ્રી રજૂ કરવામાં આવશે. ગુજરાતી કોમેન્ટેટર્સમાં મનન દેસાઈ (સ્ટેન્ડ અપ કોમેડિયન), પૂર્વ લોકપ્રિય RJ ધ્વનિત ઠાકર, કરણ મહેતા, આકાશ ત્રિવેદી, મનપ્રીત જુનેજા (પૂર્વ રણજી ક્રિકેટર), નયન મોંગિયા (પૂર્વ ટેસ્ટ ક્રિકેટર) સામેલ છે.
વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંની એક ઇન્ડિયન પ્રિમીયર લીગ IPLમાં આ રીતે ગુજરાતી સાંભળવા મળે એ પણ દરેક ગુજરાતીઓ માટે એક સારી વાત જ કહી શકાય. આઈપીએલને વધારે લોકપ્રિય બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અવારનવાર નવા નવા પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે આ વખતે ગુજરાતી કોમેન્ટેટર્સ રાખીને એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણને ક્રિકેટ કોમેન્ટ્રી માત્ર અંગ્રેજી અને હિન્દીમાં સાંભળવા મળતી હતી પરંતુ આ વખતે ક્રિકેટ કોમેન્ટ્રી 7 પ્રાદેશિક ભાષામાં કરવામાં આવશે. 7 પ્રાદેશિક ભાષામાં ગુજરાતીને પણ સ્થાન આપવામાં આવ્યું હોવાના સમાચાર મળતા જ કરોડો ગુજરાતીઓમાં હરખની હેલી જોવા મળી રહી છે.