અમદાવાદ સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે રૂપિયા ૭૪ કરોડના ખર્ચે અટલ બ્રિજ તૈયાર કરાયો છે. ૨૬૦૦ મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત બનાવી વુડન ફ્લોરીંગ, ગ્રેનાઈટ ફ્લોરીંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલઈડી લાઈટીંગ છે.
જાે કે આ વિશેષતાની તમને ખબર છે, પરંતુ હવે મહત્વનું છે કે અટલ બ્રિજ બનાવ્યો છે તો જાળવણી કરવી પણ આપણે સૌ નાગરિકોની ફરજ છે. જાળવણી માટે તંત્રની જેટલી જવાબદારી છે એટલી જવાબદારી આપણી પણ હોવી જાેઈએ. હજુ ગઇકાલે જ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, પરંતુ બીજા દિવસે જ આપણી ગમે ત્યાં થૂંકવાની ટેવે શરમમાં મૂક્યા છે.
પાન-મસાલા ખાઇને ગમે ત્યાં પીચકારીઓ મારવાની ટેવના લીધે શરમમાં મૂકાવવાની સ્થિતિ ઉભી થાય છે. મોટી સંખ્યામાં લોકો અટલ બ્રિજ નિહાળવા આવી રહ્યા છે, જ્યારે આ દરમિયાન આ બ્રિજ ઉપર પાન-મસાલાની પીચકારીઓના નિશાન પણ જાેવા મળ્યા છે. એક બાજુ, અટલ બ્રિજ અમદાવાદની નવી ઓળખ તરીકે ઉભરી રહ્યું છે, ત્યાં આવી હરકતોના લીધે બ્રિજની શોભાને ડાઘ લાગે જ છે પરંતુ આવી ગંદી ટેવ અલગ જ છબી ઉભી કરી રહી છે.
લોકોએ તેમના અનુભવ શેર કર્યા હતા અને જાણે વિદેશમાં આવેલા બ્રિજ પર ફરી રહ્યા હોય તેવો અહેસાસ થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ અમુક મુલાકાતીઓનું કહેવું હતું કે, બ્રિજના મેન્ટેન્સ અને સ્વચ્છતા માટે સામાન્ય એન્ટ્રી ફી રાખવી જાેઈએ. આ દરમિયાન જાગૃત નાગરિકોએ કહ્યું કે, બ્રિજ પર એન્ટ્રી પહેલા જ મન મસાલા મૂકાવી દેવા જાેઈએ. જાે આપણે આપણી જવાબદારી નિભાવીશું તો અટલ બ્રિજની અટલતા કાયમી જળવાય રહેશે.