વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,મેયર કિરીટ પરમાર, કૈલાનાથન,ગૌતમ પરમાર અને મંત્રી જગદીશ પંચાલ ઍરપોર્ટ પહોંચ્યા છે. વડાપ્રધાન એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં મીટિંગ શરૂ કરી છે. આ દરમિયાન પીએમ મોદી ઘણી મહત્વની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં સાબરમતી નદી પર પદયાત્રીઓ માટેના અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે “ખાદી ઉત્સવ”નો અનોખો કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. અહીં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. એ ઉપરાંત તેઓ રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા અટલ બ્રિજનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ પર તૈયારીઓ શરૂ કરાઈ છે