ગુજરાત સરકારે વિધાનસભાને માહિતી આપી હતી કે, રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ યોજના હેઠળ અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસ ૧ જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે. ગુરુવારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં રાજ્ય સરકારની UDAN યોજના હેઠળ છ રૂટ પર એર કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે.
આ રુટ રાજકોટ-પોરબંદર, અમદાવાદ-કંડલા, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ, સુરત-અમરેલી અને સુરત-ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેખિતમાં જવાબ આપતા ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજના હેઠળ બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તે અમદાવાદ-પોરબંદર અને અમદાવાદ-કંડલા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારના એરક્રાફ્ટના મેન્ટેનન્સ પાછળ ૧૯.૫૩ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જેની ખરીદી વર્ષ ૨૦૧૯માં કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોરના સવાલનો લેખિતમાં જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, તેમણે ૨૧ નવેમ્બર, ૨૦૧૯માં ૧૯૭.૯ કરોડ રૂપિયામાં ૧૨ સીટ ધરાવતું નવું એરક્રાફ્ટ બોમ્બાર્ડિયર ચેલેન્જર ૬૦૦ સીરિઝ ખરીદ્યું હતું. ૨૦૨૦ અને ૨૦૨૧માં તેના મેન્ટેનન્સ માટે ઈન્દામેર એવિએશન અને રેમન્ડ લિમિટેડને ૧૯.૫૩ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના સવાલનો જવાબ આપતા, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પર ફેસ-૧નું ૬૨% કામ પૂરું થયું છે અને ફેસ-૧નું તમામ કામ ઓગસ્ટ-૨૦૨૨માં પૂરું થવાની શક્યતા છે. રાજ્ય સરકારે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે રાજકોટમાં એરપોર્ટ ઉભુ કરવા માટે જાન્યુઆરી, ૨૦૧૯માં સ્ર્ેં પર હસ્તાક્ષર કર્યા હતા. અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખે અમદાવાદ અને કેવડિયા કોલોની વચ્ચેની સીપ્લેનની સુવિધા ક્યારે શરૂ થશે તેના વિશે જાણકારી માગી હતી. જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, સર્વિસ ૧૦ એપ્રિલ, ૨૦૨૧થી બંધ છે અને ઓપરેટરનો ખર્ચ પ્રતિ ટિકિટ ૧૫૦૦ રૂપિયાથી વધીને ૪૫૦૦ રૂપિયા થઈ ગયો છે.