પોલીસની સરાહનીય કામગીરી સાથે સાથે અમુક પોલીસ કર્મીઓ સમગ્ર પંથકનું નામ પણ ડૂબાડતા હોય છે. એવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે અને વેપારી સાથે પોલીસે ખુબ જ બર્બરતા દાખવી છે. કાપડના વેપારી સામે અગાઉ સીટમાં થયેલી અરજીનો નિકાલ થઈ ગયો હોવા છતાં પણ સામેપક્ષે પોલીસના મેળાપીપણામાં ફરીથી અરજી ખોલાવી હોવાનો આ દાખલો હવે ભારે ચર્ચામાં છે. હદ તો ત્યાં થઈ ગઈ કે વેપારીને ઓફિસમાંથી ઉઠાવી ઢોર માર મારી બળજબરીથી ચેક લખાવ્યો હતો, સાથે જ જાનથી મારવાની ધમકી આપી છે.
હવે આ મામલો એટલો ગરમાયો છે કે વેપારીએ આ અંગે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્ય પોલીસ વડા અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. વિગતો મળી રહી છે કે કાંકરિયા સુમેળ બિઝનેસ પાર્ક-2માં ઓફિસ ધરાવી કાપડનો ધંધો કરતા નરેશકુમાર જૈનની આ વાત છે. નરેશ કુમારે કરેલી અરજીમાં જણાવ્યું છે કે, ચિરાગ એજન્સીના પ્રોપ્રાઈટર ચિરાગ મુકેશ શારદાએ તેમની વિરુદ્ધ એડિશનલ પોલીસ કમિશનર (સેકટર-2) સીટ સ્કવોડની ઓફિસે અરજી 10 ડિસેમ્બર, 2021ના રોજ આપી હતી, જે અંગેની નોટિસ તેમને 16 ડિસેમ્બરે મળતા તેમણે 20 ડિસેમ્બરે તપાસ કરનાર અમલદારને લેખિત જવાબ પણ રજૂ કરી દીધો હતો.
નરેશ કુમારે કહ્યું કે આ બધું જ પતી ગયા બાદ તપાસ અધિકારીએ અરજી દફતરે કરી દીધી હતી. જો કે અસલી ખેલ હવે શરૂ થાય છે કે સીટના પીઆઈ વનરાજ સિંહ સાથે મળી ચિરાગ અને મુકેશ શારદાએ જૂની અરજી ફરી ખોલાવી. જેના લીધે પીઆઈએ નરેશકુમારને તેમની ઓફિસમાંથી મારતા મારતા સીટની ઓફિસે લઈ ગયા અને વાત એટલેથી અટકી નથી જતી. ત્યાં લઈ જઈને 1 લાખના ચેક પર ધરાર સહી કરાવી હતી. તેમ જ પીઆઈએ તેમાંથી પોતાને પૈસા મોકલાવી દેવાનું કહ્યું હોવાનું પણ અરજીમાં જણાવાયું છે.
જો કે મામલો અહીં પણ પુરો થઈ જતો નથી. આટલું કર્યા બાદ પૈસા ન આપે તો એનકાઉન્ટરમાં મારી નાખવાની ધમકી પણ સામેવાળાના કહેવાથી આપી હોવાનું જણાવ્યું છે. ઇજાગ્રસ્ત વેપારીની પોલીસે ફરિયાદ ન લેતા ઉચ્ચ કક્ષાએ અરજી કરી છે. ઇજાગ્રસ્ત વેપારીને રાજસ્થાન હોસ્પિટલમાં લઈ જતાં ઉપરથી દબાણ છે તેમ કહી તેમને અધુરી સારવાર કરીને રજા આપી દીધી હતી.