આજકાલના યંગસ્ટર્સમાં લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનો ભારો શોખ જાેવા મળી રહ્યો છે. આવા શોખ ક્યારેક ભારે પણ પડી જતા હોય છે. ત્યારે શહેરના સેટેલાઈટમાં આવેલા ઉમિયા વિજય વિસ્તારમાં રહેતી એક છોકરી પણ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવા માગતી હતી. જે વૈભવી જીવનશૈલી જીવવાનો શોખ અને ફિલ્મ એક્ટ્રેસ બનવાના સપના જાેતી આ છોકરી છેલ્લાં પાંચ દિવસથી ગૂમ થઈ ગઈ છે.
જે બાદ તેના માતા-પિતા પણ ખૂબ જ ચિંતિત છે. ત્યારે તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અપહરણ થયુ હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવું પણ સામે આવ્યું છે કે, આઠ મહિનામાં આ છોકરી બીજી વાર ગૂમ થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સેટેલાઈટમાં રહેતી આ છોકરી ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે.
જેની ઉંમર માત્ર ૧૬ વર્ષ છે. જાે કે, આ છોકરી વૈભવી જીવનશૈલી જીવવાનો શોખ ધરાવે છે અને ફિલ્મ એકટ્રેસ બનવાના સપના જાેતી હતી. આ છોકરીનો પરિવાર મધ્યમવર્ગનો છે. તેમ છતા છોકરી તેના તમામ શોખ પૂરા કરતી હતી. તે કાયમ બ્રાન્ડેડ કપડા પહેરતી અને ઉંચી જાતના પરફ્યૂમ પણ વાપરતી હતી. હંમેશા તે એક હિરોઈનની જેમ ફરતી હતી.
ફિલ્મ એક્ટ્રેસ બનવાના સપના જાેતી છોકરી હંમેશા હિરોઈનની જેમ તૈયાર થઈને ફરતી હતી. ગઈ ૨૩ તારીખના રોજ છોકરી સાંજે મહાદેવજીના દર્શન કરવા માટે નીકળી હતી. આ સમયે મંદિરમાં આરતી થતી હતી ત્યારે તે તેના પરિવારના લોકોને પણ મળી હતી. ત્યારે છોકરીએ એવું કહ્યું હતું કે તે ઘરે જઈને પરત આવે છે, પણ તે પરત ફરી નહોતી. એ પછી આરતી પૂરી કર્યા બાદ પરિવારના લોકો ઘરે પહોંચ્યા હતા પણ તે હાજર નહોતી.
ઘરના દરવાજે તાળુ મારેલુ હતુ અને તેની ચાવી ત્યાં જ પડી હતી. જે બાદ પરિવારજનોએ છોકરીની શોધખોળ કરી હતી. પણ ક્યાંય તેનો પત્તો જડ્યો નહીં. આખરે પરિવારજનો ચિંતિત બન્યા હતા અને પોલીસનો સહારો લીધો હતો. જે બાદ પરિવારના લોકોએ સેટેલાઈટ પોલીસમાં અપહરણ થયુ હોવાની શંકા વ્યક્ત કરીને ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને છોકરીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, છેલ્લાં આઠ મહિનામાં છોકરી બીજી વાર ઘરેથી ગૂમ થઈ હતી.