આવકવેરા વિભાગે અમદાવાદના પ્રખ્યાત બાગબાન ગ્રુપ સહિત ૩૦ જેટલા સ્થળોએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આજે સવારે અમદાવાદના નામાંકિત ગણાતા તમાકુના ઉત્પાદક બાગબાન કંપની અને તેની સાથે સંકળાયેલા ભાગીદારો અને લોકોને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરાતાં ભારે ચર્ચાઓ જાગી હતી. બાગબાન ગ્રુપના ત્રણ ભાઈઓ કૌશિકભાઇ મજીઠીયા, રાજુભાઈ મજીઠીયા અને તેજસભાઈ મજીઠીયાને ત્યાં તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ગ્રુપનું બોડકદેવમાં ઊર્મિન બંગલોઝ અને સિંધુભવન રોડ પર ઊર્મિન હાઉસ છે. જ્યારે ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં તંબાકુ અને નમકીનની ફેક્ટરી આવેલી છે. દર વખતની જેમ અમદાવાદ ખાતે ચાલી રહેલા સુપર મેગા ઓપરેશનમાં અમદાવાદ ઉપરાંત રાજકોટની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તપાસમાં લગભગ ૧૦૦ જેટલા અધિકારી અને આઈટી વિભાગના કર્મીઓ જાેડાયેલા છે.
આવકવેરા વિભાગે ગત ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ અને વડોદરાના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરી જપ્ત કરી હતી. ત્યારે માર્ચ મહિનો નજીક આવતાની સાથે જ આવકવેરા વિભાગના દરોડાની કામગીરી પણ વેગ પકડી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં બિલ્ડર ગ્રુપ સહિત ૧૦૦ જેટલા સ્થળો પર ઈન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં બિલ્ડર ગ્રુપના ટોચના ગણાતા શિવાલિક, શિલ્પ, શારદા બિલ્ડર ગ્રુપ પર દરોડા પડયા હતા. અગાઉ પણ અમદાવાદની ગુટકા બનાવતી કંપની પર ઈન્કમટેક્સની રેઇડ પડી હતી જેમાં જીએસટીની ચોરી બહાર આવી હતી. તમાકુના ઉત્પાદકોને ત્યાં બોગસ બિલને લઈને આવકવેરા વિભાગ તપાસ હાથ ધરે છે.