ગુજરાતમાં ઠેકઠેકાણે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોમાં અને પક્ષ કાર્યકરોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. કારણ કે ઘણાને ટિકિટ મળી તો ઘણાને ન મળી. જેના લીધે બધે ધબધબાટી બોલી રહી છે. તો વળી બીજી તરફ ટિકિટની ફાળવણીને લઇને નારાજ નેતાઑ પક્ષમાંથી રાજીનામાં પણ ધરી રહ્યા છે. ટિકિટને લઇને હજુ પણ ચારેબાજુ કકળાટ જોવા મળી રહ્યો છે. કારણ કે અમુક બેઠકના નામ જાહેર કરવાના બાકી છે. ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત થતાની સાથે જ ઘણી બેઠકો પર ખેચતાણ જોવા મળી રહી છે. અને ઠેરઠેર હંગામા તેમજ તોડફોડ થઈ રહી છે.
જો પહેલા વાત કરીએ ભાવનગરની તો ગારીયાધાર 101 વિધાન સભામાં કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર મુકતા કોંગ્રેસમાં ફફડાટનો માહોલ છે. કોંગ્રેસએ દિવ્યેશ ચાવડાને ટિકિટ આપતા વિરોધ કરી જો કોંગ્રેસ ગારીયાધાર બેઠક પર ઉમેદવાર નહિ બદલે તો ગારીયાધાર અને જેસર સહિતના કોંગી કાર્યકરો સંગઠનમાંથી રાજીનામાં આપી દેશે.
ચૂંટણીને લઈ અરવલ્લીમાં ભાજપનું રાજકારણ પણ આ જ રીતે ગરમાયું છે. જેમાં બાયડ ભાજપ ઉમેદવાર ભીખીબેન પરમારને બદલવાની ઉગ્ર માંગ સાથે કાર્યકરો મેદાને ઉતર્યા છે. જેને બદલવાની માંગ અને ધવલસિંહ ઝાલાને ટિકિટની રજૂઆતને લઇને હજારોની સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર કમલમ ખાતે વિરોધમાં જોડાયા હતા. એ જ રીતે વડોદરાની વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ થઇ રહ્યો છે. પેરાશુટ ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી કોંગ્રેસના 500 કાર્યકરો સહીત હોદ્દેદારોએ રાજીનાની ચીમકી આપી હતી. કોંગ્રેસે સત્યજીતસિંહ ગાયકવાડને ટિકિટ આપતા વિરોધનો સૂર ઉઠ્યો છે.
તો વળી આ તરફ અમદાવાદમાં પણ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરાઇ હતી. નારાજ કાર્યકરોએ કાર્યાલયમાં તોડફોડ કરી ભરતસિંહ સોલંકીનો અને ઈમરાન ખેડાવાલાને ટિકિટ અપાતા રોષ વ્યાકત કર્યો હતો. ભરતસિંહ સોલંકીનું પોસ્ટર સળગાવવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચૂંટણી ટાણે કોંગ્રેસમાં વિરોધનો વંટોળ યથાવત હોય તેમ અમદાવાદ બાદ ઉમરેઠના કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય ખાતે પહોચ્યા હતા. જેમાં NCP સાથે ગઠબંધનના વિરોધમાં બસો માં ગયેલા કાર્યકરોએ રોષ ઠાલવ્યો હતો.