લોકોને એક જ પ્રશ્ન ચારેકોર ઘુમી રહ્યો છે કે નવરાત્રિમાં વરસાદ વિલન બનશે કે કેમ? ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. હવે ચોમાસું વિદાય ક્યારે લેશે તેના પર લોકોની નજર છે. ગુજરાતમાંથી સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ જશે. 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી ચોમાસુ વિદાયની શરૂઆત થઈ જશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. 3 થી 8 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થશે તેવું અનુમાન આવતા લોકોમાં નવરાત્રિને લઈ ચિંતા વ્યાપી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની વિદાય અને તે દરમિયાન નવરાત્રી આવી રહી છે. ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ થવાનું અનુમાન છે. લોકલ સિસ્ટમ એટલે કે, થન્ડર સ્ટ્રોમના કારણે નવરાત્રી દરમિયાન વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા હાલમાં પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સામાન્યથી ભારે મધ્યમ વરસાદની શકયતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયને લઈ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી.
જો ચાલુ વર્ષની વાત કરીએ તો દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસુ બેસી ગયું હતું.જોકે, ચોમાસાની સિઝનને અનુકૂળ વાતાવરણ છે. હજુ ચોમાસાની વિદાયના કોઈ એંધાણ દેખાતા નથી.કારણ કે, હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 116.92 ટકા વરસાદ નોંધાયો છે. જે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 34 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 185.13 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાત 120.83 ટકા વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાત 93.21 ટકા વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર 107.93 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત 127.81 ટકા વરસાદ થયો છે. જોકે, ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ સારો વરસાદ થયો છે.