Ahmedabad News: અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ સતતને સતત વધી રહ્યું છે. જેમાં 2022 કરતા 2023માં અકસ્માતના કેસમાં એકાએક વધારો થયો છે. અમદાવાદના એસ.જી. હાઈવે રાજપથ કલબ નજીક બીજ પર જુલાઈ 2023માં બેફામ જેગુઆર કાર હંકારી 9 લોકોના જીવ લેનાર ચકચારી તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ પણ શહેરમાં વાહન ચાલકો બેફામ હોવાનું ટ્રાફિક પોલીસના આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે 2023માં અમદાવાદ શહેરમાં વાહન અકસ્માતમાં 527 લોકોના મોત થયા છે. 2022માં વાહન અકસ્માતમાં 488 લોકોના મોત થયા જેની સામે 2023માં મોતનો આંકડામાં 40નો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા પાંચ મહિનામાં 219 લોકોએ અકસ્માતમાં જીવ ગૂમાવ્યો હતો. 2022માં ઓગષ્ટથી ડીસેમ્બર માસના પાંચ માસમાં 199 લોકો અકસ્માત જીવ ગુમાવ્યો હતો. આમ, તથ્યકાંડ બાદ પણ કાયદાના ડર વગર વાહન ચાલકો બેફામ બન્યાનો ઘટસ્ફોટ થયો છે.
તમને જણાવી દઈએ કે, 2022 ઓગસ્ટમાં 44 લોકોના વાહન અકસ્માત મોત થયા હતા. જો કે, 2023 ઓગષ્ટમાં પોલીસની કાર્યવાહી અને ડ્રાઈવ ચાલુ હોવાથી માત્ર 24 લોકોના મોત થયા હતા. આમ, પોલીસ કાર્યવાહીને પગલે મોતના આંકડામાં સીધો 20નો ઘટાડો આવી ગયો હતો. જો કે, પોલીસની કાર્યવાહી અને ડ્રાઈવ બંધ થતા ફરી વાહન ચાલકો બેફામ બન્યા છે.
તો હવે અમદાવાદ પોલીસે ફરી એકવાર ટ્રાફિક જાગૃતિને લઈને કમર કસી છે. જે અંતર્ગત અમદાવાદ શહેર અને જિલ્લામાં મંગળવારથી શરૂ થયેલા રાષ્ટ્રીય માર્ગ સલામત મહિનાની શરુઆતના પ્રથમ દિવસે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીશ અને કરાવીશ ઉપરાંત અકસ્માત સમય કોઈને મદદ કરીશના શપથ સાથે આપી કાર્યક્રમની શરુઆત કરાઇ હતી.
રાજ્યભરમાં 16 જાન્યુઆરીથી લઈ 13 ફેબ્રુઆરી સુધી ચાલનાર માર્ગ સલામતી ઉજવણીના કાર્યક્રમો કરવામાં આવશે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પણ સ્કૂલ અને કોલજેના બાળકોમાં અવેરનેશથી લઇ નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે મેગા ડ્રાઈવ કરાશે.
ઉપરાંત રેલી સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. સામાન્ય રીતે ઉતરાયણ પૂર્વે રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી થતી હોય છે. પરંતુ આ વખતે ઉતરાયણ પછી જાહેરાત થતાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકોને પતંગ કે ગળાના બેલ્ટ જેવી વસ્તુઓનું વિતરણ નહીં થાય.