ધ કપિલ શર્મા શો કોઈથી અજાણ નથી અને કરોડો લોકો આ શો જુએ છે. લાખો લોકો તો આ શોના દિવાના છે. પરંતુ એ શોમાં 3 ડિસેમ્બર 2022ના રોજ એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસે અમદાવાદના જે પ્રજ્ઞાચક્ષુ મિત્રોએ ડાન્સ કર્યો એને કેટલા ગુજરાતીઓ ઓળખે છે? કદાચ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. આ અમદાવાદના મિત્રોની મહેનત અને એમના પુરુષાર્થની આજે વાત કરવી છે. આ ગૃપનું નામ છે પહેચાન ડાન્સ ગૃપ. તમને જે ડાન્સ કરતા મિત્રો દેખાયા એ મિત્રો જોવામાં અસમર્થ છે. કદાચ એ ડાન્સ જોતા સમયે તમને પણ ખબર સુદ્ધા નહીં હોય કે તેઓ જોઈ શકતા નથી. હવે સવાલ થશે કે જોઈ શકતા નથી તો આટલો સરસ ડાન્સ કઈ રીતે કરી શકે અને કપિલ શર્મા જેટલા મોટા પ્લેટફોર્મ પર તેઓ કઈ રીતે પહોંચી શક્યા.
દિવ્યાંગોને સ્ટેજ મળે એ જ હેતુ
આ ગૃપનું નામ છે પહેચાન ડાન્સ ગૃપ અને જેમાં તમામ પ્રક્ષાચક્ષુ યુવાનો કામ કરી રહ્યા છે. યુવાનો હું એટલા માટે લખું છું કારણ કે તમાત લોકો 20થી 30ની ઉંમરના છે. આ ગૃપ 2014થી ચાલે છે, જ્યારે શરૂઆત થઈ ત્યારે આ ગૃપમાં 10 લોકો હતા પરંતુ હાલમાં ગૃપમાં 20 લોકો છે અને હજુ પણ નવા નવા મિત્રો આ ગૃપમાં ઉમેરાવાનું શરૂ છે. આ ગૃપનો હેતુ માત્ર એક જ છે કે દિવ્યાંગોને સ્ટેજ મળે. જે દિવ્યાંગ મિત્રોમાં ટેલેન્ટની કોઈ કમી નથી તેઓનું ટેલેન્ટ દુનિયા સામે જાય અને લોકો એમને પોંખે. કારણ કે આજનો સમય એવો છે કે જો દિખતા હૈ વો બિકતા હૈ. તો શું જેને નથી દેખાતું તેઓના ભાગે કંઈ જ નહીં? એવું તો ન ચાલે. જેથી કરીને પહેચાન ગૃપનો એકમાત્ર હેતુ એ રહેલો છે કે દિવ્યાંગોને સ્ટેજ મળે અને એમના જીવનમાં બનતી મદદ મળે.
આર્ટિસ્ટો અલગ અલગ કામ કરે છે
આ ગૃપ અંધજન મંડળ સાથે સંકળાયેલું છે. અંધજન મંડળ પણ આ ગૃપને મદદ કરવા માટે હંમેશા ખડેપગે રહે છે. ગૃપના મિત્રો પણ કોઈને કોઈ કામ કરીને પોતાનો જીવન નિર્વાહ રહે છે. કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તો કોઈ સરકારી નોકરી કરે છે. કોઈ અભ્યાસ પણ કરી રહ્યું છે તો કોઈને પોતાનો બિઝનેસ પણ છે. આ સાથે સાથે તેઓ દિવ્યાંગોને મદદ કરી રહ્યાં છે અને એમને સ્ટેજ પુરુ પાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરી રહ્યા છે. આ મિત્રોના રહેઠાણ વિશે વાત કરીએ તો અમદાવાદ, ધોળકા, નવસારી અને પાટણ ખાતે તેઓ રહે છે.
4 દિવસની મહેનતમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ
હવે વાત કરીએ કપિલ શર્મા શોના પરફોર્મન્સની તો કોશિશ ગૃપના પૂર્વી ત્રિવેદી અને અંધજન મંડળમાં ફરજ બજાવતા સેવાભાવી દિનેશભાઈ બહેલ દ્વારા પહેચાન ગૃપનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 6 લોકોને નક્કી કરવામાં આવ્યા કે કોણ કોણ ડાન્સ કરશે અને 4 દિવસ તનતોડ મહેનત કરવામાં આવી હતી. ત્યારબાદ કપિલ શર્મા શોનું શુટિંગ થયું અને ધમાકેદાર ડાન્સ કરવામાં આવ્યો. જ્યારે આ ડાન્સ પરફોર્મન્સ થયું ત્યારે તમામ ઓડિયન્ય ઉભી થઈ અને તાળીઓ પાડી રહી છે. બધા જ એકદમ લાગણીથી તરબોળ થઈ ગયા હતા. અમુક લોકો તો કાયદેસર રડી પણ પડ્યા હતા. બધાએ એક જ વાક્ય કહ્યું કે વન્સ મોર.. વન્સ મોર… લોકો કહી રહ્યા હતા કે અમે ભૂતકાળમાં આવું ક્યારેય નથી જોયું. તમે લોકોએ પહેલી વખત બતાવ્યું કે લોકો આવું પણ કરી શકે છે અને દુનિયામાં આવા લોકો પણ હાજર છે.
આર્ટિસ્ટ
ડાભી ચિરાગ
સોલંકી આકાશ
ગાચી ઝાકીર
સાહુ પદ્મનાથ
પૃથા શાહ
વાળંદ અંજલિ
સ્વયં સેવક
મેઘા ઝાલા
પિયુષ સોલંકી