ચીનમાં કોરોનાએ માજા મૂકી છે ત્યારે આખા દેશમા અને હવે તો ગુજરાતમાં પણ લોકોને ભય લાગી રહ્યો છે. આજે અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ વાત જ એનો પુરાવો છે કે લોકો કેટલા ડરી રહ્યા છે. અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકોની લાંબી કતારો લાગી છે. બૂસ્ટર ડોઝ લેવા અંગે આરોગ્ય કર્મચારીએ પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી લોકો બૂસ્ટર ડોઝ લેવા લોકોની ભારે ભીડ જામી છે. આ સાથે એક નાગરિકે જણાવ્યું હતું કે, ચીનની સ્થિતિ જોતાં બૂસ્ટર ડોઝ જરૂરી છે અને દરેકે લેવો જ જોઈએ.
ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદ શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનની કામગરી ચાલુ છે. જેથી તમામ લોકોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન મળશે. ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 23 એક્ટિવ કેસ છે. જેથી ગુજરાતમાં ફરીથી કોરોના કેસે ચિંતા વધારી છે. અમદાવાદમાં કોરોનાના નવા 2 કેસ, રાજકોટમાં કોરોનાના નવા 2 કેસ અને બનાસકાંઠામાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેતીની જરૂર છે. લોકોએ ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરી દેવુ જોઈએ. ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવાની સૂચના સરકાર દ્વારા આપી દેવાઈ છે. જેમા જણાવાયુ કે, કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરવો.
અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલની આરોગ્યની ટીમ એલર્ટ મોડ પર જ રાખવામાં આવી છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં વ્યવસ્થા છે જ આ ઉપરાંત ICUની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા પણ કરાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનમાં આગામી કેટલાક મહિનામાં 800 મિલિયન લોકો એટલે કે 80 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે. લંડન સ્થિત ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીએ જણાવ્યું હતું કે ચીનમાં ઝીરો કોવિડ પોલિસીના અંત પછી 2.1 મિલિયન એટલે કે 21 લાખ લોકોના મોત થઈ શકે છે. એરફિનિટીએ આનું કારણ ચીનમાં ઓછી રસીકરણ અને એન્ટિબોડીઝના અભાવને આભારી છે. એ વચ્ચે જ ગુજરાતીઓ માટે પણ ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે.