રાઉડી રખડું: લો બોલો, ધારણા પ્રમાણે બધું થયું, હવામાન વિભાગની આગાહી સાચી પડી અને અમદાવાદ સહિત મોટાભાગના શહેર વરસાદથી તરબોળ થઇ ગયા. અમદાવાદમાં પણ અનેક વિસ્તાર જળબંબાકાર થયા અને ભ્રષ્ટ અધિકારીઓ તથા કેટલાક બિલ્ડરોની મહેરબાનીથી કોટ વિસ્તાર સિવાયના અનેક વિસ્તાર પાણીથી લબાલબ થઇ ગયા. ઐતિહાસિક અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર એટલે કે જૂના અમદાવાદમાં રવિવારે દિવસે અને રાત્રે વરસાદ થયો તેની ના નથી પણ સામાન અને વાહનો વણાઇ જાય તેવી પરિસ્થિતિ ના બની. કેમ, ચતુર કરો વિચાર…
જૂના અમદાવાદમાં ખાડીયા, માણેકચોક, લાલદરવાજા, કાળુપુર, શાહપુર, દરિયાપુર, કોટની રાંગ, રિલીફ રોડ, પાંચ કૂવા, પથ્થરકૂવા, રાણીનો હજીરો, ત્રણ દરવાજા સહિતના અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકો આટલા ભારે વરસાદમાં પણ બેફિકર રહ્યા. કેમ કે, તેઓ જાણતા હતા કે તેમના વિસ્તારમાં નાખવામાં આવેલી ગટર અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હાલના શહેરના સત્તાધિશોએ નાખેલી નથી.
ઈતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ થયો છે ત્યારે ત્યારે જૂના અમદાવાદમાં ભાગ્યે જ વોટર લોગિંગની સમસ્યા સામે આવી હોય. જે વિસ્તારોમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવે છે ત્યાં મોટાભાગની ઇમારતો મંજૂરી વગરની હૉય તે પણ સામે આવ્યું છે. ભ્રષ્ટ અધિકારીઓ અને લેભાગુ કેટલાક બિલ્ડરોને કારણે નાગરિકોને ભોગવવાનો વારો આવ્યો છે.
હાલમાં અમદાવાદમાં રવિવારે સાંજથી વહેલી સવાર સુધી પડેલા અનરાધાર વરસાદે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી કરી નાખી છે. અનેક વિસ્તારોમાં લોકોના ઘરો, દુકાનો, વાહનો અને સોસાયટીના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયાં છે.
બેઝમેન્ટ ધરાવનારી સોસાયટીઓ, ઇમારતો અને કોમ્પ્લેક્સમાં હાલબેહાલ થઇ ગયા. શહેરમાં આવેલા કોમ્પ્લેક્સોની દુકાનોમાં પણ પાણી ઘુસી જતાં માલ સામાનને નુકસાન થયું છે. પાલડી, ઘાટલોડિયા વાસણા, શ્યામલ, વેજલપુર સહિતના વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદને કારણે ભોંયરાની દુકાનો આખે આખી પાણીમાં ગઈ છે. વેપારીઓને તેમના માલનું નુકસાન થયું છે. વરસાદને બંધ થયાના 6 કલાક બાદ પણ શહેર પાણીમાં ગરકાવ છે. અનેક વિસ્તારોમાં હજી સુધી વરસાદના પાણી ઓસર્યા નથી.