પ્રાપ્ત વિગતો મુજબ, બે મહિના પહેલાં સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને કીર્તિ પટેલે વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી હતી. કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં આ યુવતી વિરુદ્ધ બીભત્સ લખાણ તેમજ ફોટો વાયરલ કર્યા હતા. જેને લઈને કીર્તિ પટેલ અને ભરત ભરવાડ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
મહત્વનું છે કે, કીર્તિ પટેલ વિરદ્ધ અગાઉ સુરત અને અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે. ત્યારે વધુ એક મામલે વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે, એકાદ મહિના અગાઉ સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીનો બનાવ બનેલો અને ફરિયાદ દાખલ થઈ હતી.
આ કામના આરોપીઓ કીર્તિ પટેલ અને ભરત ભરવાડને એવું લાગ્યું હતું કે, યુવતીને કારણે તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ યુવતી દ્વારા ફોનમાં ગાળો આપતાં હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સેટેલાઈટના ગુનામાં સમાધાન નહીં કરો તો તકલીફ પડશે તેવી ધમકીઓ આપવામાં આવતી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરીને કીર્તિ પટેલની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સામેલ ભરત ભરવાડ નામના આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.