અમદાવાદ શહેરમાં રોડ પર ભૂવા પડવાની ફરિયાદ આપણે સૌ સાંભળતા આવીએ છીએ. જો કે આજે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે તમને નવાઈ પમાડશે. કારણ કે અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની હાલત ચોમાસા દરમિયાન એટલી હદે ખરાબ થઈ જાય છે કે, દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ બીજા વર્ષના ચોમાસામાં ફરી એની એ જ હાલત જોવા મળતી હોય છે. ત્યારે હવે શહેરના રોડ દસ વર્ષ સુધી ન તૂટે તેના આયોજનને ધ્યાનમાં રાખી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેંગ્લોર જેવા વ્હાઇટ ટોપિંગ રોડ અમદાવાદમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિગતો મળી રહી છે કે અમદાવાદ શહેરમાં પ્રથમ એવા રોડ હશે, જે ડામર કરતાં RCC જેવા વધુ સારા બનશે. હાલમાં પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મેમનગર વિસ્તારમાં ગુરુકુળથી તીર્થનગર સોસાયટી, મહારાજા અગ્રસેન સ્કૂલ અને સ્ટર્લિંગ હોસ્પિટલ રોડ, ઇસનપુરમાં આલોક સોસાયટીથી સિદ્ધિ બંગલા સુધી તેમજ રખિયાલ ત્રિકમલાલ ચાર રસ્તાથી સુહાના ચાર રસ્તા સુધી એમ ત્રણ રોડ રૂ. 20.39 કરોડના ખર્ચે બનશે. જેનું કામ શરુ પણ કરી દેવામાં આવશે. કારણ કે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે મળેલી કમિટીમાં શહેરમાં ડામર કરતાં વધુ સારા અને આરસીસી જેવા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટેનું કામ મંજૂર કરવામાં આવ્યું છે.
મહાદેવ દેસાઈએ આગળ વાત કરી કે આ રોડની વિશેષતા એવી છે કે અલ્ટ્રાટેક કંપની દ્વારા સિમેન્ટ અને એક ડિઝાઇનને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ રોડની વેલિડિટી અંદાજે 10 વર્ષથી પણ વધુની છે. બેંગ્લોરમાં આ રીતે વ્હાઈટ ટોપિંગ વાળા રોડ બનાવવામાં આવ્યા છે જેમાંના અભ્યાસ અર્થે ડેપ્યુટી ચેરમેન સાથે બેંગ્લોર જઈ અને સમગ્ર માહિતી પણ અમે મેળવી હતી અને ત્યારબાદ આવા રોડ શહેરમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હવે આ વાત સાંભળ્યા પછી અમાદાવાદીઓમાં પણ એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે હાલમાં પશ્ચિમ વિસ્તારમાં ગુરુકુળ રોડ ઉપર અને પૂર્વ વિસ્તારમાં ત્રિકમલાલ ચાર રસ્તાથી સુહાના ચાર રસ્તા તેમજ ઇસનપુર આલોક સોસાયટીથી સિદ્ધિ બંગલા સુધીનો રોડ બનાવવામાં આવશે.
સામાન્ય રીતે વાત કરીએ તો ડામરના રોડની મર્યાદા ત્રણ વર્ષની હોય છે, જ્યારે આ રોડની મર્યાદા આરસીસી જેટલી અંદાજે 10 વર્ષથી વધુની રહેશે. શહેરમાં આ રીતે સૌથી સારા રોડ બનશે. જો કે આ વખતે એક ખાસ વાત અને સારી વાત એ છે કે આજે મળેલી કમિટીમાં હવેથી જે પણ શહેરમાં નવા રોડ બનાવવામાં આવે તે રોડ માં ડાળ કરવા માટેની સુચના અધિકારીઓને આપવામાં આવી છે. જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં આવે તેમાં જો ઢાળ નહીં હોય તો તે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી દેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન શહેરમાં રોડ ઉપર વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહે છે તે નો ઝડપથી નિકાલ થાય તેના માટે યોગ્ય ઢાળ રાખવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે મળેલી કમિટીમાં શહેરમાં રોડ અને બિલ્ડિંગના 100 કરોડ રૂપિયાના કામ મંજૂર કરવામાં આવ્યા છે.