Gujarat News: ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તેમજ ગુરુ-શિષ્ય પરંપરા પ્રત્યે આદર કેળવાય તે ઉમદા હેતુસર અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં સાત દિવસીય ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે.
આ ઉજવણીના ભાગરૂપે IMCTF, અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ જિલ્લાની શાળાઓમાં ‘આચાર્ય વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ણયનગરની આત્મીય વિદ્યાનિકેતન સ્કૂલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ કલાઓ સાથે સંકળાયેલા ૬૪ કલા ગુરુઓનું પૂજન અને ગુરુવંદના કરવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત વિશાળ સૂર્ય આકારની અદભુત રંગોળીના સ્વરૂપે કલા ગુરુઓ તથા તેમના શિષ્યો બિરાજમાન થયા હતા અને ગુરુઓનું તેમના શિષ્યો દ્વારા પૂજન અને વંદના કરવામાં આવી હતી. જિલ્લાની શાળાઓના 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વેબીનારના માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી થઈ હતી. આ ઉપરાંત, જિલ્લાની શાળાઓમાં પણ ‘આચાર્ય વંદના’ કાર્યક્રમ યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, નૃત્ય, વાદ્ય, ગાન વિદ્યા, નાટ્યકળા, જાદુગર કળા, માટીના વાસણો/યંત્રો બનાવવા, સાંકેતિક ભાષા લખવાની વિદ્યા, ગાલીચા સાલ વગેરે બનાવનાર કળા, નાટક લખવાની કળા, જુદી જુદી ખાવાની ચીજો બનાવવાની કળા, કપડા બનાવવાની કળા, ઘરેણાં બનાવવાની કળા, પ્રતિમા બનાવવી, સોયથી કામ લેવાની કળા, ચિત્ર કળા, જડીબુટ્ટી અને ઔષધી બનાવવાની કળા, કઠપૂતળી બનાવવાની કળા, સોનું ચાંદી વગેરે ઘડવાની કળા, મણીઓના રંગને ઓળખવાની કળા સહિતની કુલ 64 જેટલી કલાઓના કલગુરુઓનું પૂજન, સન્માન અને ગુરુવંદના આ પ્રસંગે કરવામાં આવી હતી.
બોર્ડના પૂર્વ ચેરમેન એ.જે.શાહ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબેન ઝા, સિનીયર એડવોકેટ અરુણભાઈ ઓઝા, ગૌરવ પુરસ્કાર વિજેતા નાટ્યકાર મનીષભાઈ પાટડીયા, સાવિત્રી બાઈ ફૂલે એવોર્ડ વિજેતા નૃત્યકાર શીતલબેન મકવાણા, રંગમંચ કલાકાર અને નિદર્શક રાજુભાઈ બારોટ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.