હાલમાં ગૂજરાતમાં ચૂંટણીનો માહોલ છે. ધાર્મિક હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ.. બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક રાજનીતિની વાત તો આવી જ જતી રહે છે. એવા સમયે હવે ચુંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક સમાજ પોતાની જ્ઞાતિનું વર્ચસ્વ પણ કઈ રીતે રાજકારણમાં વધે એવા પ્રયાસોમાં મંડાયા છે. જ્ઞાતિના ઉમેદવારને સ્થાન અપાવવા મહેનત પણ કરી રહ્યા છે. ત્યારે ભાવનગર ખાતે પણ કોળી સમાજ દ્વારા અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. શહેરના શિવશક્તિ હોલ ખાતે યોજાયેલી આ શિબિરમાં કોળી સમાજના તમામ સામાજિક આગેવાનો અને તમામ સંગઠનો એક મંચ ઉપર એકત્રિત થયા હતા.
આ કાર્યક્રમમાં કોળી સમાજની સામાજિક, શૈક્ષણિક અને રાજકિય બાબતોમાં ઉત્થાન થાય તેવા મુદ્દાઓ પર વાત અને વિચારણા કરવામાં આવી હતી. સાથે જ એક રણનીતિ પણ તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે જોડાયેલા કોળી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઋષિ ભારતીબાપુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની 182 બેઠક માંથી 72 બેઠક ઉપર કોળી સમાજનો હક્ક છે, તેને ન્યાય મળવો જોઈએ.
ભારતીબાપુએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે કોળી સમાજને જે પક્ષ વધુ ટિકિટ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે. જો કોઈ પક્ષ સમાજને મહત્વ નહિં આપે તો કોળી સમાજ હવે જાગૃત બન્યો છે અને સમાજ માટે લડી લેવા પણ તૈયાર છે. આજે 30-35 વર્ષથી કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઈ રહ્યો છે જે વ્યાજબી નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણી ટાણે કેવા કેવા માહોલ જોવા મળે છે અને આખરે કોને કોને ટિકિટ આપવામાં આવશે. હવે ટૂંક જ સમયમાં ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવવાની છે.