ઓનલાઈન જમવાનું પિરસતી ઝોમેટો કંપનીની દિવસેને દિવસે સવિર્સ કથળી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ફરીથી અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના શુધ્ધ શાકાહારી કસ્ટમરને વેજના બદલે મટનની ડીશ આપી હોવાનું સામે આવ્યું છે. ઝોમેટો કંપની લોભામણી જાહેરાતથી લોકોને છેતરતી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.
ખુબ જ જાણીતી બનેલી ઝોમેટો કંપનીમાંથી ઓર્ડર કર્યા બાદ અનેક કસ્ટમરો પસ્તાયા હોવાના બનાવો રોજ સામે આવે છે. એટલુ જ નહીં ઓર્ડર કરેલા પાર્સલ તુટેલુ, અંદરથી જીવાતો નીકળવા સહિતના અનેક બનાવો રોંજીદા બન્યા છે. આ ઉપરાંત ઓર્ડર મોડો પહોંચવા જેવી ફરીયાદ તો વ્યાપક રીતે સામે આવી રહી છે. તેમજ આ બધી સમસ્યાઓ હોવા છતા પણ ઝોમેટો દ્વારા સંતોષ ન મળતો હોવાના આક્ષેપો પણ કસ્ટમરો કરી રહ્યા છે.
અમદાવાદના એક કસ્ટમરે શુધ્ધ ગુજરાતી અને શાકાહારી ભોજન માટે ઝોમેટો કંપનીની એપમાંથી ૬ શાકાહારી થાળીનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડર કર્યાના લાંબા સમય બાદ ડીલીવરી આપવામાં આવી હતી. જ્યારે ઓર્ડર આપનાર લોકો બપોરનું જમવા માટે બેઠા ત્યારે સૌ કોઈના હોંશ ઉડી ગયા હતા. કારણ કે, આ ગુજરાતી લોકોની થાળી શાકાહારીના બદલે ઈંડા અને મટનની સબ્જી હતી. શુધ્ધ ગુજરાતી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
વાત અહીંથી અટકટી નથી. આ અંગે ભોગ બનનાર કસ્ટમરે ઝોમેટો કંપનીનો સંપર્ક કર્યો હોવા છતા પણ કંપની તરફથી કોઈ સંતુષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. એટલુ જ નહીં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તેઓ તરફથી નોનવેજની ડીશ પણ બદલી આપવામાં આવી નથી. અંતે નોનવેજ ડીશનો ભોગ બનનાર કસ્ટમરને બીજા રૂપિયા ખર્ચીને બહારથી ગુજરાતી થાળી મંગાવવાનો વારો આવ્યો હતો.
આ અંગે ભોગ બનનાર ગ્રાહકે જણાવેલ કે, ઝોમેટોની સવિર્સ ખરાબ હોવાથી અમારા રૂપિયાની સાથે સાથે અમારા કિંમતી સમયનો પણ બગાડ થયો છે. ઓર્ડર આપ્યાથી લઈને નોનવેજ થાળી અંગે ઝોમેટો કંપનીનો સંપર્ક કર્યા સુધીના તમામ પુરાવા અમારી પાસે છે. આ મામલે અમે ગ્રાહક સુરક્ષા સહિતના તંત્રની મદદ લઈશુ. આ ઉપરાંત ઝોમેટોથી અમારી જેમ અન્ય લોકો પણ ભોગ ન બને તે જરૂરી છે.